- પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
- હાર્દિક પંડ્યાએ કહ્યું મારા પર ભાર વધુ આવે છે
- ગ્રુપ સ્ટેજમાં હાર્દિકે બનાવ્યા હતા 87 રન
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એટલે 10 સપ્ટેમ્બરે મહામુકાબલો થવાનો છે, ત્યારે આ મેચ પહેલાં ભારતીય ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મેચમાં મારા પર 2થી 3 ગણો ભાર રહે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ સ્ટેજમાં હાર્દિક પંડ્યાએ 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે, વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી.
હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ટીમમાં ઓલરાઉન્ડર તરીકે મારી જવાબદારી મહત્વપૂર્ણ રહે છે. જેના કારણે મારા પર 2થી 3 ગણો ભાર રહે છે. કારણ કે, ક્રીઝ પર બેટિંગ કર્યા બાદ મારૂં કામ પૂર્ણ થતું નથી. મારે બોલિંગ પણ કરવાની હોય છે. જેથી મારૂં સંપૂર્ણ ફોકસ સત્ર દરમિયાન ટ્રેનિંગ પર હોય છે.
હું જરૂરિયાત મુજબ બોલિંગ કરૂં છું
હાર્દિક પંડ્યાએ 10 ઓવરના સવાલમાં જવાબ આપ્યો કે, મેચ શરૂ થાય છે, ત્યારે હું 10 ઓવરની બોલિંગ કરવા માટે તૈયાર રહું છું, પરંતુ આ ટીમની જરૂરિયાત પર નિર્ભર રહે છે કે, મારે કેટલી ઓવર બોલિંગ કરવાની છે. જો 10 ઓવરની જરૂરિયાત રહે, તો હું 10 ઓવર બોલિંગ કરી શકું છું, પરંતુ જરૂરિયાત 10 ઓવર કરતાં ઓછી હોય, તો તે હિસાબે હું બોલિંગ કરૂં છું.
'ખુદને સફળ બનવવા માટે રમવું જોઈએ'
હાર્દિક પંડ્યાનું કહેવું છે કે, હંમેશા ખુદને સફળ બનવવા માટે રમવું જોઈએ. કારણ કે, જો તમે ખુદનું સમર્થન કરશો, તો તમારી ગેમ શ્રેષ્ઠ થવાની છે. કારણ કે, દરરોજ સફળતાની ગેરેન્ટી હોતી નથી, પરંતુ તમે તમારૂં સર્વશ્રેષ્ઠ આપશો, તો તે તમારી સફળતા વધારશે.