- ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ઇતિહાસમાં સૌથી મોટી જીત
- ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
- વનડેમાં ભારતીય ટીમે શ્રીલંકાને 317 રને હરાવ્યું
ODI વર્લ્ડકપ 2023માં પ્રથમ બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ જોરદાર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો અને ODI વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. જ્યારે રનની દ્રષ્ટિએ વન-ડેમાં આ બીજી સૌથી મોટી જીત હતી. અગાઉ વનડેમાં ભારતીય ટીમે શ્રીલંકાને 317 રને હરાવ્યું હતું. જે વનડે ઇતિહાસમાં સૌથી મોટી જીત છે. વર્લ્ડકપ 2023માં આ ઓસ્ટ્રેલિયાની સતત ત્રીજી જીત છે.
ઝમ્પાના સ્પિનનો જાદુ
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની શાનદાર સદીની મદદથી 399 રન બનાવ્યા હતા. 400 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ માત્ર 90 રન સુધી જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન બોલરો સામે નેધરલેન્ડની ટીમ માત્ર 21 ઓવર જ રમી શકી હતી. એડમ ઝમ્પા સતત ત્રીજી મેચમાં 4 વિકેટ લઈને વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
ODI વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત (રનોની દ્રષ્ટિએ)
- વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
- વર્લ્ડકપ 2015માં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 275 રનથી હરાવ્યું
- વર્લ્ડકપ 2007માં ભારતે બર્મુડાને 257 રનથી હરાવ્યું
- વર્લ્ડકપ 2015માં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 257 રનથી હરાવ્યું
- વર્લ્ડકપ 2003માં ઓસ્ટ્રેલિયાએ નામીબિયાને 256 રનથી હરાવ્યું
ODI ક્રિકેટમાં સૌથી મોટી જીત (રનોની દ્રષ્ટિએ)
- ભારતે 2023માં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ 2023માં નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
- ઝિમ્બાબ્વેએ 2023માં યુએસએને 304 રનથી હરાવ્યું
- ન્યુઝીલેન્ડે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ 2015માં અફઘાનિસ્તાનને 275 રનથી હરાવ્યું
સેમિફાઇનલમાંથી બહાર થનારી પ્રથમ ટીમ!
આ હાર સાથે નેધરલેન્ડ સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલની ટિકિટ મેળવવા માટે દરેક ટીમે 6-6 મેચ જીતવી પડશે. નેધરલેન્ડની પાંચ મેચમાં આ ચોથી હાર હતી. આ હાર સાથે નેધરલેન્ડ પોઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે 10મા સ્થાને આવી ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.