- ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ટેસ્ટમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું
- ડેવિડ વોર્નરે કારકિર્દીની છેલ્લી ટેસ્ટમાં 57 રનની ઈનિંગ રમી
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું અને સિરીઝ 3-0થી જીતી લીધી. સિડનીમાં રમાયેલી ત્રીજી મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાનો 8 વિકેટે વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ સિરીઝની ત્રણેય મેચોમાં પાકિસ્તાન પર વર્ચસ્વ ધરાવતી જોવા મળી હતી. ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 25.2 ઓવરમાં હાંસલ કરી લીધો અને જીત મેળવી લીધી.
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આ મેચ દ્વારા પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ રમી હતી. વોર્નરે મેચની પ્રથમ ઇનિંગમાં 34 અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. નાના લક્ષ્યનો પીછો કરતા વોર્નરે ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વોર્નરે રન ચેઝમાં 57 રનની ઈનિંગમાં 7 ફોર ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ 3-0થી સિરીઝ જીતી
ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ટેસ્ટમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. આ પછી બીજી મેચ મેલબોર્નમાં રમાઈ, જેમાં ઓસ્ટ્રેલિયા 79 રને જીત્યું. ત્યારે હવે સિડનીમાં રમાયેલી ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ સરળતાથી જીતી
સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં બોર્ડ પર 313 રન બનાવ્યા. ત્યારબાદ જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 299 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં પાકિસ્તાનને માત્ર 115 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી. પાકિસ્તાન 115 રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાને 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 2 વિકેટના નુકસાન સાથે 25.5 ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો.