- ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હાર
- ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર્સે ફટકારી સદી
- હાર બાદ બાબર આઝમનું દર્દ છલકાયું
વર્લ્ડકપ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાં એક ખેલાડીનો કેચ છોડવો કેટલો મોંઘો પડી શકે છે તે શુક્રવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું. શાહીન આફરીદીની બોલ પર ઉસ્માન મીરે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરનો કેચ ડ્રોપ કર્યો હતો. આ સમયે ડેવિડ વોર્નર માત્ર 10 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જે બાદ વોર્નર આક્રામક બન્યો હતો અને 163 રનની તોફાની ઈનિંગ રમી હતી. ડેવિડ વોર્નરની આ ઈનિંગ અંગે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ સ્વીકાર્યું કે, ડેવિડ વોર્નરનો કેચ છોડવો તેની ટીમ માટે મોંઘો સાબિત થયો હતો.
બાબર આઝમે શું કહ્યું?
બાબરે ઓસ્ટ્રેલિયા સામેની હાર માટે નબળી બોલિંગને પણ જવાબદાર ગણાવી હતી. બાબર આઝમે કહ્યું કે, અમારી બોલિંગ અપેક્ષાઓ મુજબ નહોતી અને જો તમે ડેવિડ વોર્નર જેવા ખેલાડીનો કેચ છોડો છો, તો તે તમને છોડશે નહીં. આ સ્કોર કરવા માટે સારું મેદાન હતું અને ભૂલ માટે બહુ ઓછું માર્જિન હતું. અમારા બોલરોએ છેલ્લી ઓવરોમાં સારી વાપસી કરી હતી. બોલને યોગ્ય જગ્યાએ ફેંકવાની જરૂર હતી. મધ્ય ઓવરોમાં અમને સારી પાર્ટનરશિપ મળી નહતી. અમારે પ્રથમ 10 ઓવરમાં વધુ સારી બોલિંગ કરવાની જરૂર છે. આ સાથે, અમારે મધ્ય ઓવરોમાં અમારી બેટિંગમાં ઘણો સુધારો કરવો પડશે.
ઝમ્પા મેચ વિનર ખેલાડી બન્યો
શુક્રવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 367 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 163 અને માર્શે 123 રન બનાવ્યા હતા. શાહીન શાહ આફરીદીએ મુશ્કેલ પિચ પર પણ સારી બોલિંગ કરીને 5 વિકેટ લીધી હતી. પાકિસ્તાનના ઓપનરોએ સદીની પાર્ટનરશિપ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી, પરંતુ પાકિસ્તાનનો લોઅર મિડલ ઓર્ડર ઝમ્પા સામે ટકી શક્યો નહોતો. પાકિસ્તાન આ મેચ 62 રને હારી ગયું હતું. ઝમ્પાએ સતત બીજી મેચમાં 4 વિકેટ લીધી હતી.