• ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન મેચ પહેલાં બેંગલુરુમાં બ્લાસ્ટની અફવા
  • PIBના ફેક્ટ ચેકમાં બ્લાસ્ટ અફવા હોવાનું સામે આવ્યું
  • PIBએ કરી સ્પષ્ટતા, નથી થયો બ્લાસ્ટ

વર્લ્ડકપ 2023ની મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બેંગ્લોરમાં રમાવાની છે. આ પહેલા બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. વર્લ્ડકપની 18મી મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર અફવાઓનો દોર શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ પહેલા બેંગલુરુમાં વિસ્ફોટ થયો છે. જેનાથી પાકિસ્તાનની ટીમની સુરક્ષા સામે ખતરો હોવાની આશંકા છે.

બ્લાસ્ટ થયો હોવાની વાત અફવા

સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ અલગ-અલગ પદ્ધતિઓ વિશે વાત કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે બેંગલુરુમાં પાકિસ્તાનની મેચ પહેલા બોમ્બ બ્લાસ્ટ થયો છે. જો કે, PIBએ ફેક્ટ ચેકિંગ દરમિયાન આ નકલી પોસ્ટ હોવાનો પર્દાફાશ કર્યો છે. PIBએ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર એક પોસ્ટ કરીને લોકોને માહિતી આપી હતી કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બેંગલુરુમાં બ્લાસ્ટના ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. PIBએ સ્પષ્ટ કર્યું કે, આ તમામ દાવા ખોટા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો બેંગલુરુના કોરમંગલા સ્થિત એક કાફેની છે.

ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

PIBના આ ફેક્ટ ચેક બાદ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયન ટીમને ખતરાની વાતનો અંત આવ્યો છે. જો કે વર્લ્ડકપમાં આ બંને ટીમોની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7માં અને પાકિસ્તાનની ટીમ ચોથા ક્રમે છે. પ્રથમ 2 મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ ત્રીજી મેચમાં ભારત સામે હારી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પ્રથમ મેચમાં ભારત અને બીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારી હતી. જો કે, ટીમે ત્રીજી મેચમાં શ્રીલંકાને હરાવીને વાપસી કરી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વર્લ્ડકપના પોઈન્ટ ટેબલની દૃષ્ટિએ શાનદાર મેચ બનવા જઈ રહી છે. અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ચાર મેચ જીત્યા બાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર એટલે કે નંબર-1 પર છે, જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

  • Follow us on: