• ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હાર
  • હાર બાદ વકાર યુનિસનું મોટું નિવેદન
  • વકાર યુનિસે ખુદને અડધો ઓસ્ટ્રેલિયન કહ્યો

પાકિસ્તાનની અંતિમ વર્લ્ડકપ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. જેમાં પાકિસ્તાનની 62 રનથી હાર થઈ છે. આ મેચ બાદ આયોજિત પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. જેમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસ, પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચ અને પૂર્વ ઓલરાઉન્ડર શેન વૉટસન સામેલ હતા. આ દરમિયાન વકાર યુનિસે કંઈક એવું કહ્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

વકાર યુનિસે શું કહ્યું?

પાકિસ્તાનના આ પૂર્વ બોલરે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચની ચર્ચા કરતા કહ્યું કે, હું અડધો ઓસ્ટ્રેલિયન છું, મને ફક્ત પાકિસ્તાની ના કહો. હવે જો તમે વિચારી રહ્યા હોવ કે વકારે આવું કેમ કહ્યું તો તમને જણાવી દઈએ કે વકાર યુનિસે ફરાલ નામના ઓસ્ટ્રેલિયન ડૉક્ટર સાથે લગ્ન કર્યા છે. બંનેને ત્રણ બાળકો છે અને તે બધા ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા શહેર કેસલ હિલમાં વસવાટ કરે છે.

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને કેવી રીતે હરાવ્યું?

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની આ મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેના ઓસ્ટ્રેલિયન ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 259 રનની પાર્ટનરશિપ કરી અને 50 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 367 રન સુધી પહોંચાડ્યો હતો. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માત્ર 305 રન સુધી જ પહોંચી શક્યું અને અંતે 62 રનથી મેચ હારી ગયું હતું.

પાકિસ્તાન પોઈન્ટ ટેબલ પર નંબર 5 પર

આ હારને કારણે પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી નંબર-5 પર પહોંચી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટોપ-4માં પહોંચવા માટે મોટી છલાંગ લગાવી છે. હવે જો પાકિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવું હોય તો તેને બાકીની 5માંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે.


  • Follow us on: