- આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ
- લખનૌના એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
- બંને ટીમો તેની પ્રથમ બે મેચ હારી છે
વર્લ્ડકપની 14મી મેચ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર 2 વાગ્યે શરૂ થશે અને બંને ટીમો આ મેચ જીતીને ટૂર્નામેન્ટની શરૂઆત જીતવા માંગે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ બે મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા સામે હારી ચૂકી છે, જ્યારે શ્રીલંકાની ટીમ તેની પ્રથમ બે મેચમાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન સામે હારી છે.
મેચની પ્રિડિક્શન
પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા આઠમા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા સૌથી નીચે એટલે કે દસમા સ્થાને છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે સારી મેચની અપેક્ષા રાખવામાં આવે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર તરીકે આવી હતી, જ્યારે શ્રીલંકાની ટીમને પણ તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ચમિકા કરુણારત્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે,
પિચ રિપોર્ટ
સામાન્ય રીતે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમની પિચ ધીમી હોય છે અને અહીં રન બનાવવા મુશ્કેલ હોય છે, પરંતુ છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને લખનૌના સ્ટેડિયમના ઈતિહાસમાં સૌથી વધુ ODI સ્કોર બનાવ્યો હતો. ત્યારપછી ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેથી જો આપણે છેલ્લી મેચની પિચ પર નજર કરીએ તો ટીમે ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવી જોઈએ, કારણ કે બીજી ઇનિંગમાં બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન, વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, ડુનિથ વેલ્લાલાગે, ચમિકા કરુણારત્ને, મહીશ તીક્ષ્ણા, કાસુન રાજિથા, દિલશાન મદુશંકા