- આવતીકાલે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ
- ફાઈનલ મેચ પહેલાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો
- વોશિંગ્ટન સુંદરને ફાઈનલ મેચમાં મળી શકે સ્થાન
એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમવામાં આવશે, આ પહેલાં ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ્સ અનુસાર ફાઈનલ પહેલાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો છે અને તે ફાઈનલથી બહાર થઈ શકે છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં અક્ષર પટેલે 42 રનની ઈનિંગ રમી હતી.
અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો
મળતી માહિતી મુજબ, અક્ષર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, અક્ષરની ઈજા બહુ મોટી નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટ કોઈ પ્રકારનું રિસ્ક લેવા માંગતું નથી. ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલે બાંગ્લાદેશ વિરુદ્ધ 34 બોલ પર 42 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. આ ઉપરાંત અક્ષરે 9 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી.
બાંગ્લાદેશ વિરુદ્ધ થઈ હાર
ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2023ના અંતિમ સુપર-4 મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે બેંચ સ્ટ્રેંથનો ઉપયોગ કર્યો હતો. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આ ખેલાડીઓની જગ્યાએ તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી નહતી. બાંગ્લાદેશે પહેલાં બેટિંગ કરીને 265 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 259 રન પર ઓલઆઉટ થઈ હતી.
વોશિંગ્ટન સુંદરને ટીમમાં મળી શકે સ્થાન
ટીમ ઈન્ડિયા અક્ષરની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને અત્યારે તે બેંગ્લોરમાં છે. જેથી સુંદરને કોલંબોમાં બોલાવવામાં આવ્યો છે. સુંદર અત્યાર સુધી ભારત માટે 16 વનડે મેચ રમ્યો છે. જેમાં સુંદરે 16 વિકેટ લેવા સાથે 233 રન બનાવ્યા છે.