- ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા
- શુભમન ગિલ અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ રમશે નહીં
- પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ગિલ મેદાનમાં આવશે
ભારતીય યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ થનારી મેચમાંથી પણ બહાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. શુભમન ગિલને થોડા દિવસ પહેલાં ડેન્ગ્યૂ થયો હતો. જે બાદ ગિલ હજુ સંપૂર્ણ રિકવર થઈ શક્યો નથી.
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં જોવા મળશે ગિલ
મળતી માહિતી મુજબ, શુભમન ગિલ સ્વસ્થ થઈ રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી જઈ રહ્યો છે. તે આખો સમય ટીમની સાથે રહેશે. તે ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આરામ કરવા જશે નહીં. ગિલ પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં મેદાનમાં પરત જોવા મળશે. ગિલનું અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવું કે નહીં, તે મેડિકલ રિપોર્ટ પર નિર્ભર છે.
પ્રથમ મેચમાં ગિલને નહતું મળ્યું સ્થાન
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી શુભમન ગિલને બહાર રાખ્યો હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. આ મેચમાં ઈશાન કિશન સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. ઈશાન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.
અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી મેચ
વર્લ્ડકપ 2023માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો 11 ઓક્ટોબરે થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ 428 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના 3 બેટ્સમેનોએ આ મેદાન પર સદી ફટકારી હતી. જેથી ભારત-અફઘાનિસ્તાન મેચમાં પણ આવો જ રનનો વરસાદ થઈ શકે છે.
શુભમન ગિલની ખોટ રહેશે
જો શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચ સુધી ફિટ નહીં રહે તો ટીમ ચોક્કસપણે તેની ખોટ અનુભવશે. શુભમન અત્યારે ICC વનડે રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન છે. આ વર્ષે અત્યાર સુધીમાં શુભમન ગિલે વનડેમાં સૌથી વધુ રન કર્યા છે. સાથે આ વર્લ્ડકપમાં ગિલ પાસે પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની પણ તક છે.