• BCCIએ ટીમ ઈન્ડિયાની ઘરઆંગણાની ત્રણ શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું
  • શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે યોજાશે સિરીઝ
  • ODI, T20 અને ટેસ્ટની કુલ 19 મેચોનું આયોજન

BCCIએ 3 દેશો સામે યોજાનારી હોમ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.

BCCIએ શેડ્યૂલ જાહેર કર્યું

BCCIએ ગુરુવારે ટીમ ઈન્ડિયાની 3 ઘરઆંગણાની શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું. 3 જાન્યુઆરીથી 22 માર્ચ સુધી ભારતે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે સીરીઝ રમવાની છે. આ દરમિયાન ODI, T20 અને ટેસ્ટની કુલ 19 મેચો રમાવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI રમવાની છે. T20 મેચ 3, 5 અને 7 જાન્યુઆરીએ રમાશે. જ્યારે વનડે 10, 12 અને 15 જાન્યુઆરીએ યોજાશે. T20 મેચો મુંબઈ, પુણે રાજકોટમાં રમાશે જ્યારે ODI મેચો ગુવાહાટી, કોલકાતા અને ત્રિવેન્દ્રમમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી

આ પછી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી રમવાની છે. તેની સામે 3 ODI અને 3 T20 પણ છે. વનડે શ્રેણી 18 જાન્યુઆરીએ હૈદરાબાદ, 21 જાન્યુઆરીએ રાયપુર અને 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. T20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, 29 જાન્યુઆરીએ લખનૌ અને 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવાની છે. રાયપુરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ત્યાં IPLની મેચો રમાઈ છે.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-વનડે શ્રેણી

ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન નાગપુરમાં રમાશે. બીજી ટેસ્ટ 17 થી 21 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં, ત્રીજી ટેસ્ટ 1 થી 5 માર્ચ દરમિયાન ધર્મશાલામાં અને છેલ્લી ટેસ્ટ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે. આ પછી 17 માર્ચે મુંબઈમાં, 19 માર્ચે વિઝાગમાં અને 22 માર્ચે ચેન્નાઈમાં 3 વનડે રમાશે.


ટીમ ઈન્ડિયા વનડે શ્રેણીમાં 0-2થી પાછળ

ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ 3 મેચની વનડે શ્રેણીમાં 0-2થી પાછળ છે. છેલ્લી મેચ 10 ડિસેમ્બરથી રમાશે. આ પછી 14 ડિસેમ્બરથી બંને વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. યજમાન ટીમે હંમેશા ઘરઆંગણે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેને ટેસ્ટ સિરીઝમાં પણ ટક્કર મળશે.

  • Follow us on: