• કુલદીપ-દીપક શ્રેણીમાંથી બહાર, રોહિત આગામી ODI નહીં રમે
  • ત્રણેય મુંબઈ પાછા ફરશે, નિષ્ણાતો તેમની તપાસ કરશે
  • સિરીઝની ત્રીજી ODI 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી હારી ગઈ છે. બીજી વનડેમાં જીત સાથે બાંગ્લાદેશે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. રોહિત સહિત ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે.

કોચ રાહુલ દ્રવિડે આપી માહિતી

બાંગ્લાદેશ સામેની ODI શ્રેણી હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયા છે. આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે.


બાંગ્લાદેશને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ

વાસ્તવમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ બુધવારે રમાઈ હતી. જેમાં આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ આ મેચમાં ભારતીય ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં એક વિકેટથી જીત મેળવી હતી. આ રીતે બાંગ્લાદેશે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે.

રોહિત, કુલદીપ, દીપક મુંબઈ પાછા ફરશે

હવે સિરીઝની ત્રીજી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે આ ખરાબ સમાચાર સામે આવ્યા છે. બીજી વનડેમાં હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે આ અપડેટ આપી હતી. તેણે કહ્યું, 'ચોક્કસપણે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર છે. રોહિત પણ આગામી મેચ રમી શકશે નહીં. કોચ દ્રવિડે કહ્યું, 'રોહિત મુંબઈ પાછો જશે, જ્યાં નિષ્ણાતો તેની તપાસ કરશે. આ પછી જ ખબર પડશે કે તે ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. પરંતુ આ ત્રણેય સિરીઝની છેલ્લી વનડે રમી શકશે નહીં તે નિશ્ચિત છે.


ડાબા અંગૂઠામાં ઈજા

વાસ્તવમાં રોહિતને આ ઈજા બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન બીજી ઓવરમાં જ થઈ હતી. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કરી હતી. રોહિત બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ રોહિત લઇ શક્યો નહોતો. દરમિયાન બોલ વાગતાં તેના ડાબા હાથના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

BCCIએ કર્યું ટ્વિટ

ખેલાડીઓની ઈજા અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વિટ કર્યું કે BCCI મેડિકલ ટીમ તેની ઈજાનું મૂલ્યાંકન કરી રહી છે, તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દીપક ચહરને હેમસ્ટ્રિંગની ફરિયાદ છે. બીજી વનડેમાં તેણે માત્ર ત્રણ ઓવર જ ફેંકી હતી. જ્યારે કુલદીપ સેનને પીઠની સમસ્યા છે.

  • Follow us on: