- CSK બોલરની સતત પીઠની સમસ્યા ટીમ માટે ચિંતાનું કારણ બની
- રિષભ પંત, કુલદીપ સેન, રોહિત શર્મા ઈજાને કારણે મેદાનથી બહાર
- ભારતીય ક્રિકેટ ટીમના ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા
બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ODIમાં ભારતીય ઝડપી બોલર દીપક ચહરનો ફિટનેસ સાથેનો સંઘર્ષ ચાલુ રહ્યો છે. ફાસ્ટ બોલરે માત્ર ત્રણ ઓવર ફેંકી અને હેમસ્ટ્રિંગની ઈજાના કારણે મેદાન છોડી દીધું હતું. CSK બોલરની સતત પીઠની સમસ્યા ટીમ માટે ચિંતાનું કારણ બની રહી છે.
ખેલાડીઓની ઈજા બની સમસ્યા
હાલ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ODI શ્રેણીમાં ભારતીય ખેલાડીઓની ઈજાઓ પરેશાનીનું કારણ બની છે. દીપક ચહર પહેલા રોહિત શર્મા અંગૂઠામાં ઈજાને કારણે મેદાન છોડી ગયો છે. મેચની શરૂઆત પહેલા જ કુલદીપ સેન પીઠના અકડાઈને કારણે પરેશાન હતો અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો ન હતો. રિષભ પંત પણ પીઠની સમસ્યાને કારણે વનડે શ્રેણીમાંથી બહાર છે.

રોહિત શર્માને અંગૂઠામાં ઈજા થઇ
ભારતીય કેપ્ટન રોહિત શર્માને બુધવારે બાંગ્લાદેશ સામેની બીજી ODI દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા થતાં તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રોહિત મેદાન છોડ્યા બાદ ટીમ ઈન્ડિયાનો અન્ય એક ખેલાડી મેદાન છોડી ગયો હતો.
દીપક પીઠની ઇજાથી પરેશાન
બે સિરીઝમાં આ બીજી વખત બન્યું જ્યારે દીપક ચહરે 10 ઓવરનો પોતાનો ક્વોટા પૂરો ન કર્યો. ઝડપી બોલરે ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ઓછી ઓવરો ફેંકી હતી અને પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. હવે બાંગ્લાદેશ સામે 30 વર્ષીય ખેલાડીએ માત્ર ત્રણ ઓવર બોલિંગ કર્યા પછી હેમસ્ટ્રિંગમાં તણાવની ફરિયાદ કરી હતી. સિલેક્શન કમિટીના એક સભ્યએ કહ્યું હતું કે ચહર હજુ પણ પીઠની ઇજામાંથી 100% સાજો થયો નથી.

100 ટકા ફિટ થશે ત્યારે રમશે
આઉટગોઇંગ સિલેક્શન કમિટીના એક સભ્યએ કહ્યું, “તે ત્યાં પહોંચી રહ્યો છે પરંતુ હજુ પણ 100% ફિટ નથી. દીપકને ઘણી ઈજાઓ થઈ છે. તેથી, ઉતાવળ કરવાની જરૂર નથી. તે ટીમ સાથે છે અને જ્યારે ટીમના ફિઝિયોને લાગશે કે તે 100 ટકા ફિટ છે ત્યારે તે રમશે. તે ભારત માટે મહત્વનો ખેલાડી છે.
IPL 2022 પહેલા જ ચહરને ઈજા થઈ
ફેબ્રુઆરી 2022થી ચહરને ઘણી ઈજા થઈ છે. ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની ત્રીજી T20 મેચ દરમિયાન ચહરને વર્ષની પ્રથમ ઈજા થઈ હતી. તેના જમણા પગના ભાગમાં ઈજા થઈ હતી. મેગા IPL હરાજીમાં CSK દ્વારા તેને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ અને IPL 2022 સિઝનના થોડા દિવસો પહેલા જ ચહરને ઈજા થઈ હતી. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિન્ડીઝ શ્રેણીમાં થયેલી ઈજાને કારણે તેને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું.

ઈજાને કારણે T20 વર્લ્ડ કપ ગુમાવ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI પહેલા લખનૌમાં પ્રેક્ટિસ દરમિયાન દીપક ચહરને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી ચહર રમતમાં જોવા મળ્યો ન હતો અને ટૂંક સમયમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું કે તે બાકીની શ્રેણીમાં પણ દેખાશે નહીં. એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ચહર તેના પગની ઘૂંટીની ઈજાને કારણે આગામી પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયા પણ નહીં જાય, જેના કારણે તે T20 વર્લ્ડ કપની પસંદગી માટે અયોગ્ય સાબિત થયો હતો અને વર્લ્ડ કપ ગુમાવ્યો હતો.