• બાંગ્લાદેશ સામે બીજી ODIમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો
  • સ્લિપમાં કેચ લેતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ
  • રોહિતને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી ODIમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્લિપમાં કેચ લેતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

બીજી ODIમાં રોહિત ઈજાગ્રસ્ત

ભારતીય સુકાની રોહિત શર્માને બુધવારે અહીં બાંગ્લાદેશ સામેની બીજી ODI દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા થતાં તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરતા રોહિતે મોહમ્મદ સિરાજની ઇનિંગની બીજી ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ છોડ્યો અને આ દરમિયાન તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું.

BCCI ટ્વિટ કરી અપડેટ આપી

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ટ્વિટ કર્યું કે, “ભારતીય કેપ્ટન રોહિત શર્માને બીજી ODIમાં ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેનું મૂલ્યાંકન કરી રહી છે, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.

રોહિતની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો

બાંગ્લાદેશ પ્રથમ ODI એક વિકેટથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. જો રોહિત શર્માની ઈજા ગંભીર સાબિત થાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે ODI શ્રેણીની હજુ એક મેચ બાકી છે, સાથે જ આ પછી બે મેચની ટેસ્ટ શ્રેણી પણ છે. ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માત્ર રોહિત શર્મા જ કરશે.


પ્રથમ ODIમાં એક વિકેટથી પરાજય

T20 વર્લ્ડ કપ 2022 બાદ રોહિત શર્મા બ્રેક લઈને પરત ફરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયો ન હતો. રોહિત બાંગ્લાદેશ પ્રવાસમાંથી જ પાછો ફર્યો હતો, જ્યાં ટીમ ઈન્ડિયાને પ્રથમ ODIમાં એક વિકેટથી પરાજય મળ્યો હતો. હવે રોહિત શર્મા બીજી ODIમાં ઈજાગ્રસ્ત થયો હતો.

બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું

બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઋષભ પંતને શ્રેણીની શરૂઆત પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે મેડિકલ ટીમની સલાહ પર રિષભ પંતને મુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય કુલદીપ સેનને પણ પીઠમાં થોડી સમસ્યા હતી, જેના કારણે તે બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

  • Follow us on: