- ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર
- ઋષભ પંતને લઈ આવ્યું સારૂં અપડેટ
- જાન્યુઆરીમાં પંત મેદાનમાં જોવા મળી શકે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત હવે ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. પંત છેલ્લા ઘણા મહિનાઓથી ક્રિકેટ રમી રહ્યો નથી, કારણ કે પંતની કારનો અકસ્માત થયો હતો. જે બાદ પંત ગંભરીરીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પંતને ઘૂંટણમાં થઈ હતી ગંભીર ઈજા
પંતને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી, જે બાદ ડૉક્ટરે રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવી પડી હતી. BCCIની મેડિકલ ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી પંત પર નજર રાખી રહી છે અને પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી ક્રિકેટના મેદાનમાં પરત ફરી શક્યો નથી.
પંત ક્યારે પરત આવશે?
ઓસ્ટ્રેલિયાના ગાબામાં ભારતને ઐતિહાસિક ટેસ્ટ મેચ જીતાડવામાં મદદ કરનારા ખેલાડીને ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પંત ડિસેમ્બરમાં યોજાનારા સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટીમમાં સામેલ થઈ શકશે નહીં, પરંતુ જો બધું પ્લાન મુજબ રહ્યું તો ઋષભ પંત જાન્યુઆરીમાં યોજાનારી ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં મેદાનમાં આવી શકે છે.
પંત NCAમાં લઈ રહ્યો છે તાલીમ
જો કે, તે પહેલા પંતે ઘરેલૂ ક્રિકેટ રમીને મેચ ફિટનેસ મેળવવી પડશે. અત્યારે પંત બેંગાલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે અને BCCIની મેડિકલ ટીમ તેના પ્રોગ્રેસ પર નજર રાખી રહી છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, હજુ કંઈપણ કહેવું વહેલું છે. જો કે, તે સારી વાત છે કે તે નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને હજુ થોડો સમય જોઈએ છે. જો બધું બરાબર રહ્યું તો કદાચ તે અફઘાનિસ્તાન સામે વાપસી કરી શકે છે, પરંતુ હું ફરી કહીશ કે અત્યારે કંઈપણ નિશ્ચિત નથી.