ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝ બાદ હવે ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. સિરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી લિયામ લિવિંગસ્ટોને ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન પર કબજો જમાવ્યો છે. તેના ટોચ પર પહોંચવાને કારણે ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે.
નંબર વન બન્યો લિવિંગસ્ટોન
લિવિંગસ્ટોન અગાઉ ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં 7માં ક્રમે હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T-20 સિરીઝમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. લિવિંગસ્ટોને બેટની સાથે સાથે બોલથી પણ પોતાની છાપ બનાવી. હવે તેણે ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લેટેસ્ટ રેન્કિંગમાં તે 253 રેટિંગ સાથે નંબર 1 પર પહોંચી ગયો છે.
હાર્દિક પંડ્યાને થયું નુકશાન
હાર્દિક પંડ્યા પહેલા નંબર 6 પર હતો. હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. જેના કારણે તેણે 6 નંબરથી 7 નંબર પર સરકી જવું પડ્યું. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ T20 ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં 211 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સિકંદર રઝા 208 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે શાકિબ અલ હસન 206 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.

લિવિંગસ્ટોનનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા સામેની તેની પ્રથમ મેચમાં લિવિંગસ્ટોને 37 રન બનાવ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. બીજી મેચમાં 87 રન બનાવવાની સાથે તેણે 2 વિકેટ પણ ઝડપી હતી. હાલ લિવિંગસ્ટોન ICC ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર વન બની ગયો છે.
આ ખેલાડીઓને પણ રેન્કિંગમાં થયું નુકસાન
લિવિંગસ્ટન નંબર વન પર પહોંચવા સાથે માર્કસ સ્ટોઈનિસ સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને એક-એક સ્થાન નીચે જવું પડ્યું છે. આટલું જ નહીં ભારતના હાર્દિક પંડ્યા અને નેપાળના દિપેન્દ્ર એરી પણ એક સ્થાન નીચે આવી ગયા છે. જો કે, તે બધા હજુ પણ ટોપ 10માં પોતપોતાનું સ્થાન જાળવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ અને પાકિસ્તાનનો ઈમાદ વસીમ નવમા અને દસમા સ્થાને છે.