ભારતીય ટેસ્ટ ટીમનું આગામી લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ટીમને હરાવવાનું છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જેની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે.
આ મેચ પહેલા ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેપ્ટન રોહિત શર્મા પર્થ ટેસ્ટ મિસ કરી શકે છે. જે બાદ મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે યુવા યશસ્વી જયસ્વાલ સાથે ટીમ ઈન્ડિયાની ઈનિંગની શરૂઆત કોણ કરશે? જેમાં એક એવા ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે જે જાણીને ફેન્સને થોડું આશ્ચર્ય થશે.
આ ખેલાડી યશસ્વીને કરશે સપોર્ટ!
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે કદાચ પ્રથમ મેચનો ભાગ નહીં હોય. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં એવા ખેલાડીની પસંદગી કરવી પડશે જે રોહિતની જગ્યાએ જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કરી શકે. જેમાં કેએલ રાહુલનું નામ સામે આવી રહ્યું છે. રાહુલનું નામ સાંભળીને ચાહકોને હેરાન થશે. કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા રાહુલ ઓસ્ટ્રેલિયામાં ફ્લોપ સાબિત થયો છે.
રાહુલને ઓસ્ટ્રેલિયા A સામે ભારત A તરફથી રમવાની તક મળી હતી પરંતુ આ પ્રસંગે રાહુલનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્માની જગ્યાએ જો કેએલ રાહુલ પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગની શરૂઆત કરે છે તો તેનું પ્રદર્શન કેવું રહેશે.
ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હિન્ટ
ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણા મોટા સવાલોના જવાબ આપ્યા. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ગંભીરે કેએલ રાહુલ વિશે કહ્યું કે તે અમારો મહત્વનો ખેલાડી છે. રાહુલ ટોપ ઓર્ડર સિવાય મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ફેન્સને લાગે છે કે પર્થ ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે.