• ઉમરાન મલિકે ઓછા સમયમાં નામ બનાવ્યું
  • બોલિંગ સ્પીડના કારણે મલિક ચર્ચામાં આવ્યો
  • અત્યારે મલિક ટીમ ઈન્ડિયાથી છે બહાર

ટીમ ઈન્ડિયાના યુવા બોલર ઉમરાન મલિકે ઓછા સમયમાં નામ બનાવી લીધું છે. તે પોતાની બોલિંગ સ્પીડના કારણે ચર્ચામાં રહ્યો છે, પરંતુ અત્યારે ઉમરાન મલિક ટીમ ઈન્ડિયાની બહાર છે. ઉમરાન ભારત માટે 10 વનડે અને 8 T-20 મેચ રમ્યો છે. મહાન ક્રિકેટર બ્રાયન લારાએ ઉમરાન મલિકની પ્રશંસા કરી છે. લારાએ કહ્યું કે, ઉમરાન મલિક આવનારા સમયમાં સનસનીખેજ બોલર બનશે. આ સાથે તેમણે ઉમરાન મલિકને સલાહ પણ આપી છે.

બંને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ

લારા અને ઉમરાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કામ કરી ચૂક્યા છે, ત્યારે લારાએ કહ્યું કે, ઉમરાને હજુ શિખવાની જરૂર છે. ફાસ્ટ બોલિંગ દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પરેશાન કરતી નથી. જેથી મલિકે બોલથી કાંઈક અલગ કરવાની જરૂર છે. આ સાથે જ ઉમરાન મલિકે સમજદાર પણ બનવું પડશે.

મલિક ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાં સામેલ થઈ શકે

તેમણે ઉમરાન મલિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે હજુ યુવા છે. આપણી સામે અનેક ઉદાહરણ છે. વસીમ અકરમ પાસે કાચી સ્પીડ હતી. મેલ્કમ માર્શલ અને માઈકલ હોલ્ડિંગ પાસે ખનરનાક સ્પીડ હતી, પરંતુ તે તમામ એક સમયે સ્પીડ સાથે કોઈને કોઈ ટ્રીકનો ઉપયોગ કરતા આવ્યા છે. માત્ર સ્પીડ જ જરૂરી નથી. જો ઉમરાન મલિક ડેલ સ્ટેન સાથે કામ કરે છે, તો તે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક બની શકે છે.

મલિક 10 વનડે મેચ રમ્યો

ઉલ્લેખનીય છે કે, ઉમરાન મલિક ભારતીય ટીમ માટે અત્યાર સુધી 10 વનડે મેચ રમ્યો છે. જેમાં મલિકે 13 વિકેટ લીધી છે. ઉમરાન મલિકનું સર્વશ્રેષ્ઠ વનડે પ્રદર્શન 57 રન આપીને 3 વિકેટ લેવાનું છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 8 T-20 મેચમાં 11 વિકેટ લીધી છે. ઉમરાન મલિકે ભારત માટે નવેમ્બર 2022માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે T-20માં જૂન 2022માં ડેબ્યૂ કર્યું હતું.

  • Follow us on: