• બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
  • લારાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 400* રનની ઈનિંગ રમી હતી
  • ગિલ અને જયસ્વાલ ઉપરાંત લારાએ 4 ખેલાડીઓ તોડી શકે છે આ રેકોર્ડ

બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેને 10 એપ્રિલ, 2004ના રોજ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 400* રનની ઈનિંગ રમી હતી. આ રેકોર્ડ સ્થાપિત થયાને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. લારાના આ રેકોર્ડની નજીક ઘણા બેટ્સમેન આવ્યા, પરંતુ કોઈ તેને તોડી શક્યું નહીં. હવે લારાએ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સહિત 4 યુવા બેટ્સમેનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો જે તેના 400* રનના રેકોર્ડને તોડી શકે છે.

લારાએ આ ખેલાડીઓ ઉપર જતાવ્યો ભરોસો

ગિલ અને જયસ્વાલ ઉપરાંત લારાએ 4 ખેલાડીઓની યાદીમાં ઈંગ્લેન્ડના જેક ક્રોલી અને હેરી બ્રુકનો સમાવેશ કર્યો હતો. 'ધ ડેઇલી મેલ' સાથે વાત કરતા લારાએ કહ્યું, "મારા સમયમાં એવા ખેલાડીઓ હતા, જેમણે પડકાર ફેંક્યો હતો અથવા ઓછામાં ઓછો 300 રનનો આંકડો પાર કર્યો હતો - વીરેન્દ્ર સેહવાગ, ગેલ, ઇન્ઝમામ-ઉલ-હક, સનથ જયસૂર્યા. તેઓ ખૂબ જ આક્રમક ખેલાડી હતા."

4 ખેલાડીઓ વિશે વાત કરતા લારાએ વધુમાં કહ્યું, "આજે આપણી પાસે કેટલા આક્રમક ખેલાડીઓ છે? ખાસ કરીને ઈંગ્લેન્ડની ટીમમાં જેક ક્રોલી અને હેરી બ્રુક તથા ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ. જો તેમને સારી પરિસ્થિતી મળશે તો તેઓ આ રેકોર્ડ તોડી શકે છે.

જયસ્વાલે ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 9 ટેસ્ટ રમી છે, જેમાં તેણે ઘણી વિસ્ફોટક બેટિંગ બતાવી છે. 9 મેચની 16 ઇનિંગ્સમાં જયસ્વાલે 68.53ની એવરેજથી 1028 રન બનાવ્યા છે, જેમાં 2 ડબલ્સ સહિત 3 સદી સામેલ છે. જયસ્વાલનો હાઈ સ્કોર 214* રન છે. ભારતીય ઓપનરે ઈંગ્લેન્ડ સામે બંને બેવડી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ તોડવા માટે પ્રબળ દાવેદાર જણાય છે. યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 171 રન બનાવ્યા હતા.

  • Follow us on: