• ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ
  • 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ
  • T - 20 ફોર્મેટમાં ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાશે

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ મુંબઈમાં તેના સત્રમાં 2028 લોસ એન્જલસ ગેમ્સમાં ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી દીધી છે. 16 ઓક્ટોબરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, IOC એ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટને T-20 ફોર્મેટમાં નવી રમત તરીકે સામેલ કરવા માટે તેની ઔપચારિક મંજૂરી આપી હતી. ઓલિમ્પિક 2028માં ક્રિકેટની સાથે બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનું પણ આયોજન કરવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટ રમાઈ હતી, જેમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 T-20 ફોર્મેટમાં રમાશે

મળતી માહિતી પ્રમાણે, ICC એ લોસ એન્જલસ 2028 સમિતિ સમક્ષ તેની રજૂઆત દરમિયાન પુરૂષો અને મહિલાઓ બંને માટે 6-6 ટીમોના ટૂર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ભાગ લેનાર ટીમો એક ફિક્સ તારીખે ICC પુરૂષો અને મહિલા T20 રેન્કિંગમાં ટોચની 6 રેન્ક કરનારી ટીમો હશે. ઓલિમ્પિક 2028માં ક્રિકેટ 6 ટીમો વચ્ચે T-20 ફોર્મેટમાં રમવામાં આવશે.

ક્રિકેટે માત્ર એક જ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો

1900 સમર ઓલિમ્પિકમાં એકમાત્ર ક્રિકેટ મેચ ફ્રાન્સમાં ગ્રેટ બ્રિટન અને યજમાન ફ્રાન્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ગ્રેટ બ્રિટને જીતી હતી ત્યારથી ક્રિકેટનો ક્યારેય ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 1904ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, કોઈ ટીમ રમવા માટે મળી ન હતી અને તે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી.

IOCનું 141મું સેશન

IOC સત્ર દર વર્ષે એક વખત યોજાય છે. તે IOC ના સભ્યોની સામાન્ય સભા છે. ભૂતકાળમાં, 1894 થી અત્યાર સુધીમાં કુલ 140 IOC સેશન યોજવામાં આવ્યા છે. IOC 141મું સેશન ભારતમાં યોજાઇ રહ્યું છે. ભારતમાં આ બીજી વખત એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક યોજાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં 141મા IOC સત્રનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે, "ભારત દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા આતુર છે. 2036માં ઓલિમ્પિકના સફળ આયોજનની તૈયારીમાં ભારત કોઈ કસર છોડશે નહીં, આ 140 કરોડ ભારતીયોનું સપનું છે."

  • Follow us on: