• આવતીકાલે પાકિસ્તાનની પ્રથમ મેચ
  • પાકિસ્તાની ફેન્સ અને મીડિયાને નથી મળ્યા હજુ વીઝા
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને કરી ફરિયાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પાકિસ્તાની મીડિયા અને ફેન્સને હજુ વીઝા મળ્યા નથી. જેથી ફરી એક વખત વનડે વર્લ્ડકપ વિવાદમાં ફસાયો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને કરી ફરિયાદ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના ફેન્સ અને મીડિયા પર્સનને સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે કે તેને શક્ય તેટલી વહેલી તકે ભારતના વીઝા મળી શકે. વીઝા મળ્યા બાદ ફેન્સ અને મીડિયા પર્સન ભારત આવીને પોતાની ટીમને લાઈવ એક્શનમાં જોઈ શકશે. PCBએ પણ ICCને ફરિયાદ કરી કે, ભારતએ પાકિસ્તાની ફેન્સ અને મીડિયા માટે વીઝા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શક્યું નથી. જેથી ફેન્સ અને મીડિયાને હેરાન થવાનો વારો આવ્યો છે.

ફેન્સને હજુ નથી મળ્યા વીઝા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ખરાબ સંબંધોને કારણે મે 2017માં પાકિસ્તાને ભારત સરકારની વેબસાઈટની એક્સેસ બ્લોક કરી દીધી છે. જેના કારણે પાકિસ્તાનના સામાન્ય લોકો પાકિસ્તાનમાં રહેતા ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર વીઝા માટે જરૂરી કામ કરી શકતા નથી. આ કારણે હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું પાકિસ્તાનના ફેન્સ અને મીડિયા આ વર્લ્ડકપમાં પોતાની ટીમને મેદાન પર આવીને જોઈ શકશે કે નહીં?.

પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?

એક પાકિસ્તાની પત્રકારે માહિતી આપી કે, તેણે VPNનો ઉપયોગ કરીને વર્લ્ડકપ માટે વીઝાની અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય હાઈ કમિશને તેને કાયદાકીય પદ્ધતિ ન માનીને વીઝાને મંજૂરી આપી નથી. જો કે, ભારત સરકાર પાકિસ્તાની ફેન્સ અને મીડિયાને વહેલી તકે વીઝા આપવાનો પ્રયાસ કરી રહી છે.

પત્રકારોએ ઓનલાઈન પ્રશ્નો મોકલ્યા હતા

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પોતાની પ્રથમ વર્લ્ડકપ મેચ પહેલાં ગુરુવારે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પાકિસ્તાની પત્રકારો હાજર નહતા. જો કે, પાકિસ્તાની પત્રકારોએ બાબરને ઓનલાઈન પ્રશ્નો મોકલ્યા હતા. જેના જવાબ તેમણે આપ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનના લોકોને વર્લ્ડકપ જોવા માટે ભારતીય વીઝા મળે છે કે નહીં.

  • Follow us on: