• આજથી વનડે વર્લ્ડકપની થઈ શરૂઆત
  • ભારતીય ટીમ 8 ઓક્ટોબરે પ્રથમ મેચ રમશે
  • પ્રેક્ટિસ વિના ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

ICC વનડે વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્લ્ડકપની પ્રથમ મેચ આજે ગત વર્લ્ડકપની વિજેતા ટીમ ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ વર્લ્ડકપની પ્રથમ મેચ અને 19 નવેમ્બરે થનારી ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારત પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં મેચ રમીને કરશે. ભારતીય ટીમ આ વર્લ્ડકપ પહેલાં નક્કી કરેલી 2 વોર્મઅપ મેચ રમી શકી નહતી.

ભારત ન રમી શક્યું વોર્મઅપ મેચ

ભારતની પ્રથમ વોર્મઅપ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાવાની હતી, જ્યારે બીજી પ્રેક્ટિસ મેચ 3 ઓક્ટોબરે તિરુવનંતપુરમમાં નેધરલેન્ડલ વિરુદ્ધ રમવાની હતી, પરંતુ ભારે વરસાદના કારણે આ બંને પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી હતી. આ પહેલાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 2-1થી જીત થઈ હતી. આ પહેલાં ટીમ ઈન્ડિયા એશિયા કપમાં જીતી હતી.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?

ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ વર્લ્ડકપ શરૂ થયા પહેલાં પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયા નિશ્ચિતરૂપે 2 પ્રેક્ટિસ મેચ રમવા માંગતી હતી, પરંતુ અમે વરસાદના કારણે રમી શક્યા નહીં. આ પણ ટીમ માટે સારી વાત છે. કારણ કે, ટીમને આ કારણે આરામ મળ્યો છે. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને એશિયા કપમાં અનેક મેચ રમ્યા હતા. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપની તૈયારી કરી છે. હવે તમામ ખેલાડી બિલ્કુલ ફ્રેશ મૂડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.

ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે

ઉલ્લેખનીય છે કે, ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો રેકોર્ડ ખુબ સારો છે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર કુલ 6 વનડે મેચ રમ્યું છે. જેમાંથી 5 વનડેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયા ચેન્નઈમાં 3 મેચ રમ્યું છે. જેમાંથી 2 મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, વર્લ્ડકપની આ મોટી મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ પર ભારે પડે છે કે નહીં.

  • Follow us on: