- આવતીકાલે ભારત અને નેધરલેન્ડ વચ્ચે વોર્મઅપ મેચ
- તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં રમવામાં આવશે મેચ
- ભારત અને ઈંગ્લેન્ડની મેચ વરસાદના કારણે કરવી પડી હતી રદ
ભારતીય ક્રિકેટ ટીમ ICC વર્લ્ડકપ 2023ના બીજા વોર્મઅપ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી છે. આજે ભારતીય ખેલાડીઓનું ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓના એરપોર્ટ પર આવ્યા પહલાં ફેન્સની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. ફેન્સ પોતાના પસંદીદા ક્રિકેટર્સની એક ઝલક નિહાળવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ તિરુવનંતપુરમ પહોંચ્યા છે.
નેધરલેન્ડ વિરુદ્ધ રમશે બીજી વોર્મઅપ મેચ
ભારતીય ટીમ નેધરલેન્ડ વિરુદ્ધ પોતાની બીજી વોર્મઅપ મેચ આવતીકાલે રમશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વર્લ્ડકપ પહેલાં ખેલાડીઓ પાસે ફોર્મમાં આવવાની તક મળશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાની હતી. જો કે, આ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જેથી હવે ટીમ ઈન્ડિયા પાસે 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમ્યા પહેલાં પોતાનું ફોર્મ પરત લાવવાની છેલ્લી તક છે.
પિચ રિપોર્ટ
ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની પિચની વાત કરવામાં આવે તો, અહીં બોલર અને બેટ્સમેન બંને શાનદાર પ્રદર્શન કરી શકે છે. બોલર અહીં નવી બોલથી સ્વિંગ કરી શકે છે, તો બેટ્સમેન ફોર અને સિક્સ સાથે રન બનાવી શકે છે. આ પિચ પર સ્પિન બોલર્સને પણ મિડલ ઓવરમાં મદદ મળે છે. આ પિચનો એવરેજ સ્કોર 247 રન છે.
વરસાદ બની શકે વિઘ્ન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વોર્મઅપ મેચ રમાવાની હતી. જો કે, આ મેચ વરસાદના કારણે થઈ શકી નહતી. ટોસ થયા બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી મેચને શરૂ કર્યા પહેલાં જ રદ કરવી પડી હતી, ત્યારે ફરી હવામાન વિભાગે ભારત અને નેધલેન્ડ વચ્ચે થનારી વોર્મઅપ મેચમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલે તિરુવનંતપુરમમાં 90 ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.