- MIમાં જવાના હતા રિપોર્ટ
- ગુજરાતમાં જ રહેશે હાર્દિક
- પ્રથમ સિઝનમાં જીત્યુ હતુ ટાઇટલ
ભારતના દમદાર ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વિશેની તમામ અટકળો રવિવારે ખોટી પડી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે IPL (IPL-2024)ની આગામી સિઝન પહેલા તેના કેપ્ટન હાર્દિકને રિટેન કર્યો છે. અગાઉ દાવો કરવામાં આવી રહ્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ દ્વારા હાર્દિકને ટ્રેડ કરવામાં આવશે.
હાર્દિકને કરાયો રિટેન
દરેક ફેન્સ આતુરતાથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા કે હાર્દિક પંડ્યાનો ટ્રેડ થશે કે ગુજરાત ટાઇટન્સ ટીમ તેને રિટેન કરશે. આ સમાચારની પુષ્ટિ સાંજે 5.30 વાગ્યે થઈ જ્યારે ગુજરાતે રીટેંશન-રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી. જેમાં હાર્દિક પંડ્યાનું નામ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં હતું. હાર્દિકની કપ્તાની હેઠળ ગુજરાતે તેની પ્રથમ IPL સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો.
હાર્દિકની સાથે આ ખેલાડીઓને પણ કરાયા રિટેન
હાર્દિક ઉપરાંત ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમી, શુભમન ગિલ, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાંઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ અને મોહિત શર્માને જાળવી રાખવામાં આવ્યા છે.
મુંબઇમાં જવાનો હતો દાવો
ભારતના T20 કેપ્ટન હાર્દિક પંડ્યા વિશે અગાઉ એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે IPL-2024માં તે ગુજરાત ટાઇટન્સની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે હાર્દિક આગામી સિઝનમાં ગુજરાતની કપ્તાની સંભાળશે. જો તે મુંબઈની ટીમમાં ગયો હોત તો તેણે રોહિત શર્માના નેતૃત્વમાં રમવું પડત. IPLની 'ટ્રેડિંગ વિન્ડો' આજે એટલે કે 26મી નવેમ્બરે બંધ થઈ ગઈ છે.
આ ખેલાડીઓને કરાયા રિલીઝ
ગુજરાત ટાઇટન્સે યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ અને દાસુન શનાકાને રિલીઝ કર્યા છે.