- MIથી કરીયરની કરી શરૂઆત
- વર્લ્ડકપમાં ઇજાગ્રસ્ત થયો હતો હાર્દિક
- હાર્દિકે GTને 2 વાર ફાઇનલમાં પહોંચાડી
હાર્દિક પંડ્યા આખરે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. રિપોર્ટ અનુસાર મુંબઈએ ટ્રેડ દ્વારા IPL 2024 માટે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાનું ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવું એ એક મોટો ફેરફાર છે. IPL ટ્રેડમાં ઘણી વખત ખેલાડીઓના બદલાવ થાય છે, એટલે કે ટીમો એકબીજા સાથે ખેલાડીઓની આપ-લે કરે છે, પરંતુ હાર્દિક પંડ્યાના કિસ્સામાં આવું બન્યું નથી.
ટ્રેડમાં બન્ને ટીમો શામેલ
અહેવાલ મુજબ આ ડીલમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી બદલામાં કોઈ ખેલાડી લીધો નથી. આ ટ્રેડમાં મુંબઈ અને ગુજરાત બંનેની ટીમ સામેલ હતી. મુંબઈ ઈન્ડિયન્સ એ હાર્દિક પંડ્યાની જૂની IPL ફ્રેન્ચાઈઝી છે, જેના દ્વારા તેણે ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ 2022 માં નવી રચાયેલી ગુજરાત ટાઇટન્સે તેને તેમની ટીમનો ભાગ બનાવ્યો. હાર્દિક ગુજરાત માટે સફળ કેપ્ટન સાબિત થયો છે.
ગુજરાતને થયું નુકશાન?
આવી સ્થિતિમાં આ ડીલથી મુંબઈને કેટલો ફાયદો થાય છે અને ગુજરાતની ટીમને કેટલું નુકસાન થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ IPLની સૌથી મોટી ડીલ કહી શકાય. ગુજરાત ટાઇટન્સને તેની કપ્તાની હેઠળ એક વખત (2022માં) ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિકે આગામી સિઝન (IPL 2023) માં બીજી વખત ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી હતી, જ્યાં તેને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
MIથી હાર્દિકે કર્યું હતુ ડેબ્યુ
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ 2015માં અનકેપ્ડ પ્લેયર તરીકે IPL માં ડેબ્યૂ કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ છોડતા પહેલા હાર્દિકે ટીમ માટે 92 મેચ રમી હતી, જેમાં તેણે 85 ઈનિંગ્સમાં 27.33ની એવરેજ અને 153.91ની સ્ટ્રાઈક રેટથી 1476 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગમાં 31.26ની એવરેજથી 42 વિકેટ લીધી હતી. ત્યાર બાદ તે ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો. હવે તે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ કે ગુજરાત ટાઈટન્સ તરફથી સત્તાવાર માહિતી આવવાની બાકી છે.