આ વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે એશિયા કપ 2025ને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. ટુર્નામેન્ટ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. BCCI હવે મોટી બેઠકનો બોયકોટ કરવા જઈ રહ્યું છે, જેના પછી PCBને મોટો ઝટકો લાગી શકે છે.
BCCI કરશે વિરોધ
મીડિયા રિપોર્ટ મુજબ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભા 24 અને 25 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાવાની છે. પરંતુ BCCI આ સભાનો બોયકોટ કરવાનું વિચારી રહ્યું છે. આ સભાની અધ્યક્ષતા મોહસીન નકવી કરવાના હતા, જે PCB તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે.
BCCI એ તેની પાર્ટનરશીપની શરત તરીકે આ સભાને ઢાકાથી અન્ય કોઈ દેશમાં ખસેડવાનો આગ્રહ રાખ્યો છે. શ્રીલંકા અને અફઘાનિસ્તાને પણ આ મામલે ભારતને સપોર્ટ આપ્યો છે.
યુએઈમાં યોજાવાનો છે એશિયા કપ
એશિયા કપ 2025 યુએઈમાં યોજાવાનો છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપમાં ભાગ લેવા જઈ રહ્યા છે. પરંતુ આ ટુર્નામેન્ટ કેવી રીતે અને ક્યારે રમાશે તે હજુ સ્પષ્ટ નથી.
ભારતીય ખેલાડીઓએ કર્યો વિરોધ
હાલમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે. ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની મેચ 20 જુલાઈએ યોજાવાની હતી. પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી હતી અને અંતે મેચ રદ્દ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના આયોજકોએ દર્શકોની માફી પણ માગી છે. 22 એપ્રિલે, પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા.