ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયો છે. ટીમ ઈન્ડિયા એક મહિનાના બ્રેક પર જઈ રહી છે. ટીમ ઈન્ડિયા હવે એશિયા કપ 2025માં સીધી રમતી જોવા મળશે. BCCI હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ પર નજર રાખી રહ્યું છે.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર T20I ફોર્મેટમાં પહેલી ટુર્નામેન્ટ જીતવા માગશે, આ પરિસ્થિતિમાં જસપ્રીત બુમરાહની હાજરી ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ રીતે ફેન્સની 15 મહિનાની રાહ પણ સમાપ્ત થશે.
આ ટુર્નામેન્ટમાં પરત ફરશે જસપ્રીત બુમરાહ
ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. આ સાથે એવા સમાચાર આવી રહ્યા હતા કે જસપ્રીત બુમરાહ એશિયા કપ 2025માંથી પણ બ્રેક લઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ જસપ્રીત બુમરાહ એશિયા કપ 2025માં મેદાનમાં પર પરત ફરી શકે છે.
જસપ્રીત બુમરાહ છેલ્લે આ ફોર્મેટમાં T20 વર્લ્ડકપ 2024માં રમ્યો હતો. ત્યારથી જસપ્રીત બુમરાહ છેલ્લા 15 મહિનામાં T20 ફોર્મેટમાં કોઈ મેચ રમ્યો નથી. આ પરિસ્થિતિમાં બધા ફેન્સ તેને સૌથી ટૂંકા ફોર્મેટમાં જોવા માગે છે.
જસપ્રીત બુમરાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે નિર્ણય
સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા ઘણા વર્ષોથી કમરની તકલીફથી પીડાઈ રહ્યો છે. જેના કારણે BCCI તેને ખૂબ જ કાળજીપૂર્વક રમાડી રહ્યું છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત 3 ટેસ્ટ મેચ રમી હતી, તે પણ સિરીઝ શરૂ થાય તે પહેલા નક્કી કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહ માટે હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ રમવી મુશ્કેલ લાગે છે. આ પરિસ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ હવે તેને વ્હાઈટ બોલ ફોર્મેટમાં રમતો જોવા માગે છે. એશિયા કપ 2025 પછી જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ રમતો જોઈ શકાય છે.