ભારતીય ટીમના બેટ્સમેન બીજી ઈનિંગમાં જ્યાં રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યા છે.ત્યાં ઈંગ્લેન્ડની ધરતી પર જ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે.


ઈશાન કિશને નોટિંઘમશાયર માટે તેના કાઉન્ટી ચેમ્પિયનશિપ ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું. પહેલી મેચમાં ધમાકેદાર અડધી સદી ફટકારી, હાલમાં ઈશાન કિશન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

ઈશાન કિશને મચાવી ધૂમ

કાઉન્ટી ચેમ્પિયનશિપ 2025માં નોટિંઘમશાર અને યોર્કશાયર વચ્ચે મેચ રમાઈ રહી છે. જ્યાં પહેલા બેટિંગ કરી રહેલી નોટિંઘમશાયર માટે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ડેબ્યૂ કર્યું. પોતાની ડેબ્યૂ ઈનિંગમાં જ ઈશાન કિશને ચોગ્ગાનો વરસાદ કરીને અડધી સદી ફટકારી.

સમાચાર લખાય ત્યાં સુધી ઈશાન કિશને 80 બોલમાં 67 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. આ દરમિયાન તેને 10 ચોગ્ગા ફટકાર્યા છે. કિશન આ દરમિયાન દરેક બોલર સામે આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે. હાલમાં ઈંગ્લેન્ડ સામે રમી રહેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ઈંગ્લેન્ડના બોલર સામે હેરાન થતાં જોવા મળી રહ્યા છે.


ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માગે છે ઈશાન કિશન

ઓક્ટોબર 2023થી ઈશાન કિશન ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી. છેલ્લા 18 મહિનાથી ફરી ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. BCCIએ આ ખેલાડીને ફરી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા આપી દીધી છે, પરંતુ હાલમાં ટીમમાં જગ્યા મેળવી શક્યો નથી.

આને ધ્યાનમાં રાખીને ઈશાન કિશને કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો છે. નોટિંઘમશાયર માટે તે રનનો વરસાદ કરીને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે પોતાનો રસ્તો મજબૂત કરે છે. કિશન છેલ્લા 1 વર્ષમાં ઘરેલૂ ક્રિકેટમાં પણ રનનો વરસાદ કરે છે. જેના કારણે તેના ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની આશાઓ વધી ગઈ છે.

  • Follow us on: