શ્રીલંકા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી એન્જેલો મેથ્યુઝ હાલમાં ચર્ચામાં છે. 21 જૂન 2025એ તેને પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ રમી હતી. હવે આ દિગ્ગજ ક્યારેય વ્હાઈટ જર્સીમાં જોવા મળશે નહીં.
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેથ્યુઝની કારકિર્દીની છેલ્લી મેચ હતી. તેમણે પહેલાથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. છેલ્લી મેચ રમ્યા બાદ તેને એક ઈમોશનલ નિવેદન આપ્યું છે.
એન્જેલો મેથ્યુઝે બાંગ્લાદેશ સામેની ડ્રો મેચ બાદ કહ્યું કે 'જ્યારથી મેં મારા સંન્યાસની જાહેરાત કરી છે, ત્યારથી મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મને કેટલો પ્રેમ મળી રહ્યો છે. હું ચોક્કસપણે અભિભૂત છું. મને સપોર્ટ કરનારા બધાનો હું આભારી છું. ક્રિકેટની સફર સરળ ન હતી, તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. આમ છતાં હું આ બધું કરવામાં સફળ રહ્યો. મને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે અને તે ફોર્મેટમાંથી સંન્યાસ લેવો ભાવુક કરનારું છે.'
હવે યુવાઓનો સમય
મેથ્યુઝે શ્રીલંકા ક્રિકેટને યુવાઓને સોંપી દીધું છે. તેને કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે યુવા ખેલાડીઓ આગળ આવે અને શ્રીલંકાને જીત અપાવે. હવે અમારા ડ્રેસિંગ રૂમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. પથુમ નિસાંકાએ ખરેખર સારી બેટિંગ કરી. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતવી અને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 3-0થી હરાવવું એ આખી ટીમ માટે મોટી સિદ્ધિ હતી. કોચ અને મારી સાથે રહેલા બધા ફેન્સ દ્વારા આપવામાં આવેલા પ્રેમ બદલ આભાર.'
100થી વધુ ટેસ્ટ મેચ રમી
એન્જેલો મેથ્યુઝ શ્રીલંકાના તે દિગ્ગજ ખેલાડીઓમાંના એક છે જેમને પોતાના ટેસ્ટ કરિયરમાં 100 થી વધુ ટેસ્ટ રમી હતી. તેને 2009માં શ્રીલંકા માટે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેને 119 ટેસ્ટ મેચોમાં કુલ 8214 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 45 અડધી સદીનો સમાવેશ થાય છે. તેના નામે 33 વિકેટ પણ છે. મેથ્યુઝે 34 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી ટીમે 13 જીતી હતી અને 15 મેચ હારી હતી, જ્યારે 6 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.