રાઈટ હેન્ડનો લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઓગસ્ટ 2023 પછી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. આ રાઈટ હેન્ડ બોલર હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે, જેમાં તે નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી રહ્યો છે. ડર્બીશાયર સામેની મેચમાં ચહલે પોતાની જાદુઈ બોલિંગ બતાવી અને 6 વિકેટ લેવામાં સફળ રહ્યો.
યુઝવેન્દ્ર ચહલે ભારતમાં છેલ્લી ટુર્નામેન્ટ IPL 2025 રમી હતી, જેમાં તે આ વખતે પંજાબ કિંગ્સ તરફથી રમતાં જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલી 14 મેચોમાં યુઝવેન્દ્ર ચહલે 16 વિકેટ લીધી હતી. તેની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલ મેચમાં ટીમને RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં મચાવી રહ્યો છે ધૂમ
યુઝવેન્દ્ર ચહલ સતત ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે. નોર્થમ્પ્ટનશાયરના આ ખેલાડીએ કેન્ટ સામે રમાયેલી છેલ્લી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલને પહેલી ઈનિંગમાં કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ તેને બીજી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચનું પરિણામ નક્કી થયું ન હતું.
યુઝવેન્દ્ર ચહલે લીધી 6 વિકેટ
ડર્બીશાયર સામેની મેચમાં યુઝવેન્દ્ર ચહલે પોતાની જૂની સ્ટાઈલ બતાવી છે. તેને ડર્બીશાયર સામે શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે 116 રન આપ્યા. તેના ઘાતક પ્રદર્શનને કારણે આખી ડર્બીશાયર ટીમ 377 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે યુઝવેન્દ્ર ચહલે ત્રણ ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી છે.
નોર્થમ્પ્ટનશાયરના ફેન્સને આશા છે કે ચહલ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. જો તે ટુર્નામેન્ટમાં પ્રભાવ પાડવાનું ચાલુ રાખશે, તો BCCI સિલેક્ટર્સ ચોક્કસપણે તેને તક માટે વિચારી શકે છે.