ક્રિકેટના ઈતિહાસમાં કેટલીક એવી ઈનિંગ છે જે ટીમની હાર અને જીત કરતાં ઘણી ઉપર છે. આવી ઈનિંગ વર્ષો સુધી યાદ રહે છે. રવિન્દ્ર જાડેજા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર આવી ઈનિંગ રમી છે.


સર જાડેજા ઈંગ્લેન્ડની જીત અને ભારતની હાર વચ્ચે ટકી રહ્યો. એક પછી એક બેટ્સમેન જાડેજાને છોડીને પેવેલિયન પરત ફરી રહ્યો છે, પરંતુ તે ક્રીઝ પર મજબૂત રીતે ઉભો રહ્યો. ઈંગ્લેન્ડનો પેસ આક્રમણ જાડેજા સામે લાચાર લાગે છે. જાડેજાએ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી છે. હાફ સેન્ચુરી પૂર્ણ કરીને જાડેજાએ લોર્ડ્સમાં તે સિદ્ધિ મેળવી છે જે છેલ્લા 93 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો નથી.

જામનગરના ક્રિકેટરને જામ સાહેબે અભિનંદન પાઠવ્યા

આ ઐતિહાસિક ઈનિંગ બાદ જામનગરના જામ સાહેબે ક્રિકેટરને અભિનંદન પાઠવ્યા છે. વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને જામનગરના જામસાહેબ શત્રુસલીયા સિંહે વિશેષ અભિનંદન પાઠવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જામસાહેબે જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ જામનગરનું ક્રિકેટમાં નામ રોશન કર્યું છે. તેમને વધુમાં કહ્યું કે જામનગરના તમામ ક્રિકેટરો જાડેજાની રમત જોઈને ગૌરવની લાગણી અનુભવે છે.


લોર્ડ્સમાં જાડેજાની મોટી સિદ્ધિ

રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 72 રનની જોરદાર ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં પણ તે ટી બ્રેક સુધી 56 રન બનાવીને ક્રીઝ પર મજબૂત રીતે ઉભો છે. જાડેજા લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં અડધી સદી ફટકારનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા વિનુ માંકડે 93 વર્ષ પહેલા આ સિદ્ધિ મેળવી હતી. વિનુએ 1932માં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટની બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી.

રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને નીતિશ કુમાર રેડ્ડી સાથે આઠમી વિકેટ માટે 30 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. ત્યારબાદ જાડેજાને જસપ્રીત બુમરાહનો સારો સાથ મળ્યો અને બંનેએ નવમી વિકેટ માટે 35 રન ઉમેર્યા. ટી બ્રેક સુધી જાડેજાએ 162 બોલનો સામનો કર્યો છે. આ ઈનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે.


  • Follow us on: