ભારતના ફાસ્ટ બોલર હર્ષિત રાણા તેની ઝડપી બોલિંગ માટે જાણીતા છે. તાજેતરમાં જ તે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
ભારત પરત ફર્યાના થોડા જ દિવસોમાં હર્ષિત રાણાને એક મોટી જવાબદારી મળી છે. તે આગામી દિલ્હી પ્રીમિયર લીગમાં ટીમની કેપ્ટનશીપ કરશે. હર્ષિતને પહેલીવાર કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
હર્ષિત રાણાને મળી મોટી જવાબદારી
નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે દિલ્હી પ્રીમિયર લીગ 2025 માટે હર્ષિત રાણાને કેપ્ટન બનાવ્યો છે. તે આગામી સીઝનમાં આ ટીમનું નેતૃત્વ કરશે. DPL સીઝન 2025 માટે હર્ષિત રાણાને 10 લાખ રૂપિયા મળ્યા છે. તેને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે રિટેન કર્યો હતો.
હર્ષિતને તાજેતરમાં ઈન્ડિયા એ ટીમમાં પણ તક મળી હતી . તેને ઈંગ્લેન્ડ લાયન્સ સામે મેચ રમી હતી. આ પછી તેને ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું. પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો અને ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું.
દિલ્હી પ્રીમિયર લીગના સૌથી મોંઘા ખેલાડીઓ
દિલ્હી પ્રીમિયર લીગ 2025 ના સૌથી મોંઘા ખેલાડીની વાત કરીએ તો સિમરજીત સિંહ પહેલા આવે છે. તેને 2025 ની સીઝન માટે 39 લાખ રૂપિયા મળ્યા છે. આ સિવાય દિગ્વેશ રાઠી પર પણ પૈસાનો વરસાદ થયો છે. તેને 38 લાખ રૂપિયા મળ્યા છે. દિગ્વેશ રાઠીએ IPL 2025 માં LSG માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય નીતિશ રાણાને વેસ્ટ દિલ્હી લાયન્સ દ્વારા 34 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
નીતિશ આ લીગની પહેલી સીઝન રમ્યો ન હતો. કારણ કે તે ઉત્તર પ્રદેશ માટે તેની સ્થાનિક સીઝન રમી રહ્યો હતો. પરંતુ હવે તે ફરીથી દિલ્હી તરફ વળ્યો છે. આ વખતે વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ પણ દિલ્હી પ્રીમિયર લીગમાં ભાગ લેશે, જ્યારે વિરાટ કોહલીનો ભત્રીજો આર્યવીર કોહલી પણ આ લીગમાં ભાગ લેશે.