ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત માટે મુશ્કેલીઓ વધી રહી છે. ભારત પહેલાથી જ સિરીઝમાં પાછળ છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી 3 માંથી 2 મેચ જીતી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજાને કારણે ચોથી ટેસ્ટ રમી શકશે નહીં.
પ્રેક્ટિસ કરતી વખતે અર્શદીપ સિંહને આંગળીમાં ઈજા થઈ હતી, જ્યારે આકાશ દીપને પીઠની તકલીફ છે. નીતીશ કુમાર રેડ્ડી પણ ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અંશુલ કંબોજની ટીમમાં એન્ટ્રી થઈ છે.
અંશુલ કંબોજને ડેબ્યુ કરવાની મળી શકે છે તક
તાજેતરમાં એવું કહેવામાં આવ્યું છે કે અંશુલ કંબોજને ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. અન્ય ભારતીય ખેલાડીઓની ઈજાઓ એ હિન્ટ આપી રહી છે કે અંશુલ ચોથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ શકે છે. જો આકાશ દીપ આરામ કરશે, તો અંશુલ કંબોજ તેની જગ્યાએ રમી શકે છે. માન્ચેસ્ટર ટેસ્ટમાં આવું થવાની શક્યતા વધુ છે. અંશુલ કંબોજના આંકડા ખૂબ સારા છે અને તેના કારણે ગંભીર-ગિલ તેને ઈગ્નોર કરી શકશે નહીં.
અંશુલ કંબોજે ભારત A માટે કર્યું છે શાનદાર પ્રદર્શન
અંશુલ કંબોજ તાજેતરમાં ટીમ ઈન્ડિયા Aનો ભાગ હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડ લાયન્સ સામે મેચ રમ્યો હતો. અંશુલ કંબોજે અહીં 2 મેચમાં કુલ 5 વિકેટ લીધી. બીજી મેચમાં અંશુલે 4 વિકેટ લીધી અને અણનમ 51 રન બનાવીને બેટથી પણ યોગદાન આપ્યું. અંશુલ કંબોજ હાલમાં ખૂબ જ સારા ફોર્મમાં છે.
અંશુલ કંબોજે ફર્સ્ટ ક્લાસમાં પણ મચાવી છે ધૂમ
અંશુલ કંબોજે ફર્સ્ટ ક્લાસમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી ખ્યાતિ મેળવી છે. તે બોલ સ્વિંગ કરવા માટે ફેમસ છે. તમને જણાવી દઈએ કે અંશુલ કંબોજે 24 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તેમાં 79 વિકેટ લીધી છે. એક સમયે તેને એક ઈનિંગમાં 49 રન આપીને બધી 10 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં અંશુલને તક આપવી એ યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે.