ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સિરીઝની બીજી મેચ બાદ ICC દ્વારા નવું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે લેટેસ્ટ રેન્કિંગમાં ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.


મોટી વાત એ છે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે. આ દરમિયાન ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે મોટી છલાંગ લગાવી છે. તે લેટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો હેરી બ્રુક

ICC દ્વારા જાહેર કરાયેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ હવે નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. હેરી બ્રુકનું રેટિંગ હવે વધીને 886 થઈ ગયું છે. જો રૂટ બીજા સ્થાન પર આવી ગયો છે. જો રૂટનું રેટિંગ હવે 868 છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ સાથે ત્રીજા નંબર પર યથાવત છે. યશસ્વી જયસ્વાલના રેટિંગમાં ફેરફાર થયો છે, પરંતુ તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તેનું રેટિંગ 858 છે અને ચોથા સ્થાન પર યથાવત્ છે.


શુભમન ગિલે લગાવી લાંબી છલાંગ

ઓસ્ટ્રેલિયાના બેસ્ટ બેટ્સમેનોમાંના એક સ્ટીવ સ્મિથ વિશે વાત કરીએ તો તે પાંચમા ક્રમે પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યો છે. તેનું રેટિંગ હાલમાં 813 છે. આ પછી, શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરિણામે તેને એકસાથે 15 સ્થાનનો ઉછાળો મળ્યો છે. તે હવે સીધો છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલનું રેટિંગ હવે વધીને 807 થઈ ગયું છે.

રિષભ પંતને લાગ્યો ઝટકો

ત્યારબાદ સાઉથ આફ્રિકાનો ટેમ્બા બાવુમા છે, તે 790 રેટિંગ સાથે સાતમા ક્રમે યથાવત છે. આ દરમિયાન ભારતના રિષભ પંતે એક સ્થાન ગુમાવ્યું છે. તેનું રેટિંગ 790 થઈ ગયું છે અને હવે તે સંયુક્ત રીતે સાતમા ક્રમે આવી ગયો છે. કામિન્દુ મેન્ડિસ 781 રેટિંગ સાથે 9મા ક્રમે છે. ઈંગ્લેન્ડના વિકેટકીપર જેમી સ્મિથે પણ 16 સ્થાનનો કૂદકો માર્યો છે. તે હવે 753 રેટિંગ સાથે સીધા 10મા ક્રમે પહોંચવામાં સફળ રહ્યો છે.


  • Follow us on: