ICCએ હાલમાં જ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. તેમાં બાઉન્ડ્રી સંબંધિત નિયમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27ના ચક્રથી લાગુ થઈ ગયા છે. જ્યારે વનડે ક્રિકેટમાં આ નિયમ 2 જુલાઈથી લાગુ થશે. આઈસીસી ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકને લઈને નવો નિયમ આવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં લાવવામાં આવ્યો સ્ટોપ ક્લોક નિયમ
આઈસીસીએ હવે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક નિયમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વનડેમાં આ નિયમ પહેલેથી જ ઉપયોગ થઈ રહ્યો છે. આમાં ફીલ્ડિંગ કરનારી ટીમને છેલ્લી ઓવર પૂર્ણ થયાની એક મિનિટની અંદર જ ઓવર શરુ કરવા માટે તૈયાર રહેવું પડશે.
જો આવું નહીં થાય તો એમ્પાયર્સ ફીલ્ડિંગ કરનારી ટીમને બે વોર્નિંગ આપશે. જો વોર્નિંગ પછી પણ નિયમનો ભંગ થશે તો બોલિંગ ટીમને પાંચ રનની પેનલ્ટી આપવામાં આવશે. 80 ઓવર્સ પછી એમ્પાયર્સે જો વોર્નિંગ આપી છે, તે ઝીરો થઈ જશે. WTC 2025-27માં આ નિયમનો ઉપયોગ થઈ રહ્યો છે.
બોલ બદલવાનો નિર્ણય સંપૂર્ણપણે અમ્પાયરો પર નિર્ભર
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ જ કારણ છે કે જ્યારે બોલરોને નવા બોલની જરૂર પડતી હતી, ત્યારે તેઓ બોલ પર લાળ લગાવતા હતા, જેનાથી બોલ બગડતો હતો અને પછી તેઓ અમ્પાયરો પાસેથી નવો બોલ માંગતા હતા, જેથી બોલિંગ દરમિયાન તેમને ફાયદો મળી શકે, પરંતુ હવે ICC એ એક નિયમ બનાવ્યો છે કે જો બોલ પર લાળ લાગી જાય તો અમ્પાયરો માટે બોલ બદલવો ફરજિયાત નથી. બોલ ત્યારે જ બદલવામાં આવશે જ્યારે તે સંપૂર્ણપણે ભીનો લાગે અથવા નુકસાન થયું હોય. બોલ બદલવાનો નિર્ણય સંપૂર્ણપણે અમ્પાયરોના વિવેક પર છોડી દેવામાં આવ્યો છે. અહીં અમ્પાયરોને વધારાનો પાવર આપવમાં આવ્યો છે.
નો બોલ પર લેવાયેલા કેચની કરવામાં આવશે તપાસ
જો કોઈ બોલ પર ફીલ્ડ પર હાજર એમ્પાયર્સ કેચને લઈને શંકાની સ્થિતિમાં હોય અને એકબીજા સાથે વાત કરી રહ્યા હોય. તો ટીવી અમ્પાયર તેમને કહે છે કે તે નો-બોલ હતો. આ પછી, બેટિંગ ટીમને એક રન મળતો હતો અને કેચ યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો કે નહીં તે અંગે કોઈ વાત થતી ન હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, થર્ડ અમ્પાયર જોશે કેચ યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો કે નહીં. જો કેચ યોગ્ય રીતે લેવામાં આવે છે, તો બેટિંગ ટીમને ફક્ત એક જ રન મળશે. આ સિવાય જો કેચ યોગ્ય રીતે લેવામાં ન આવે અને ડ્રોપ કરવામાં આવે, તો બેટિંગ ટીમને નો-બોલના રન સિવાય બેટ્સમેન દ્વારા બનાવેલા રન મળશે.
શોર્ટ રન પર લાગશે પાંચ રનનો દંડ
અત્યાર સુધી જો કોઈ બેટ્સમેન શોર્ટ રન લેતો પકડાઈ તો બેટિંગ ટીમને પાંચ રનનો દંડ ભરવો પડતો હતો. પરંતુ હવે નવા નિયમો મુજબ જો કોઈ બેટ્સમેન જાણી જોઈને શોર્ટ રન લે છે, તો અમ્પાયર ફિલ્ડિંગ ટીમને નક્કી કરવાનું કહેશે કે તેઓ કયા બેટ્સમેનને સ્ટ્રાઈક પર રાખવા માંગે છે. આ સિવાય પાંચ રનનો દંડ ચોક્કસપણે લાદવામાં આવશે.
ઘરેલૂ ક્રિકેટમાં ફુલ ટાઈમ રિપ્લેસમેન્ટની વ્યવસ્થા
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઘાયલ થાય છે, તો ICC એ બોર્ડને તેમના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ફુલ ટાઈમના રિપ્લેસમેન્ટ ખેલાડીને મેદાનમાં ઉતારવાની શક્યતા ચકાસવા કહ્યું છે જે ટીમ માટે સહભાગી ભૂમિકા ભજવી શકે. રિપ્લેસમેન્ટ ખેલાડી કનકશન સબસ્ટિટ્યૂટના મામલામાં જેવો જ હોવો જોઈએ. ફુલ ટાઈમના રિપ્લેસમેન્ટને મંજૂરી આપતા પહેલા અમ્પાયરોએ ઈજા સ્પષ્ટપણે જોવી જોઈએ. આ હેમસ્ટ્રિંગ સ્ટ્રેન અથવા નાની ઈજાઓથી પીડાતા ખેલાડીઓ પર લાગુ થશે નહીં. આ નિયમ ટ્રાયલ ધોરણે રહેશે. સ્થાનિક ક્રિકેટમાં તેનો અમલ કરવો તે સંપૂર્ણપણે દેશો પર નિર્ભર રહેશે.













