ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડકપ 2025 ની બીજી સેમીફાઈનલ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ રોમાંચક મેચ 5 વિકેટથી જીતીને ત્રીજી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી. આ ભારતની મહિલા ODI વર્લ્ડકપની પાંચમી સેમીફાઈનલ હતી.


પહેલા બેટિંગ કરતા ભારતને 339 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ જેમિમા રોડ્રિગ્ઝની શાનદાર સદીને કારણે 48.3 ઓવરમાં આ ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરી લીધું. ભારત હવે 2 નવેમ્બરના રોજ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.

આ મહિલા ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ છે. આ પહેલા મહિલા ODIમાં સૌથી વધુ રન ચેઝ 330 રન હતો, જે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ વર્ષની શરૂઆતમાં ભારત સામે હાંસલ કર્યો હતો. જેમિમા રોડ્રિગ્ઝની 127 રનની ઐતિહાસિક મેચ વિનિંગ ઈનિંગ જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ફોબી લિચફિલ્ડે શાનદાર સદી ફટકારી

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત સામેની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી લિચફિલ્ડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. જ્યારે લિચફિલ્ડ અને પેરી ક્રીઝ પર હતા, ત્યારે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા 350થી વધુ રન બનાવશે, પરંતુ અમનજોતે લિચફિલ્ડને આઉટ કરીને 155 રનની પાર્ટનરશીપ તોડી.


લિચફિલ્ડ 93 બોલમાં 119 રન બનાવીને આઉટ થઈ. ત્યારબાદ પેરીએ જવાબદારી સંભાળી અને 77 રન બનાવ્યા. તાહલિયા મેકગ્રા મેચમાં કંઈ ખાસ કરી શકી નહીં અને 12 રન બનાવીને રન આઉટ થઈ ગઈ. પરંતુ એશ્લે ગાર્ડનરે અંતમાં ઝડપી ઈનિંગ રમી, ઓસ્ટ્રેલિયાને 300 રનને પાર પહોંચાડ્યો. ગાર્ડનર 63 રન બનાવીને રન આઉટ થઈ. આ મેચમાં ભારત તરફથી શ્રી ચરાની અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી. જ્યારે અમનજોત કૌર, ક્રાંતિ ગૌર અને રાધા યાદવે 1-1 વિકેટ લીધી.

ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે મેચ વિનિંગ ઈનિંગ રમી

ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયાને આ મેચમાં સારી શરૂઆત મળી ન હતી. લાંબા સમય પછી ટીમમાં વાપસી કરતી શેફાલી વર્મા 5 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી ભારતને સ્મૃતિ મંધાનાના રૂપમાં બીજો ઝટકો લાગ્યો, તે 24 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્ઝે ભારતની ઈનિંગની કમાન સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 167 રનની પાર્ટનરશીપ થઈ. આ મેચમાં હરમનપ્રીત 89 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી દીપ્તિ શર્મા 17 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગઈ. બાકીનું કામ જેમિમા રોડ્રિગ્ઝે અને રિચા ઘોષે મળીને કર્યું. આ મેચમાં ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે મેચ વિનિંગ ઈનિંગ રમી.

  • Follow us on: