ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લેમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને ટીમ વચ્ચે 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે એકબીજા સામે ટકરાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઇલેવનની જાહેરાત કરી છે. ફરી એકવાર ઈંગ્લેન્ડે સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને તક આપી નથી.
જોફ્રા આર્ચરને ન મળી તક
જોફ્રા આર્ચરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા પાછળનું કારણ ઈજા નહીં ફેમિલી ઈમરજન્સી જણાવવામાં આવ્યું છે. આવામાં તેનું પરત ફરવું અશક્ય છે. તમને જણાવી દઈએ કે જોફ્રા આર્ચર ચાર વર્ષના લાંબા ગાળા પછી ટેસ્ટ ફોર્મેટમાં પાછો ફર્યો છે. 30 વર્ષના જોફ્રા આર્ચરે છેલ્લે ફેબ્રુઆરી 2021 માં ભારત સામે ટેસ્ટ રમી હતી. 2019 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી તેને અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે ફક્ત 13 ટેસ્ટ મેચ રમી છે.
ગયા અઠવાડિયે જોફ્રા આર્ચરે ચાર વર્ષમાં પહેલી વાર કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ સામે સસેક્સ માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. હવે જોફ્રા આર્ચર ત્રીજી ટેસ્ટમાંથી પરત ફરે તેવી અપેક્ષા છે. ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો પહેલી ટેસ્ટની ટીમ જ બીજી ટેસ્ટ મેચ રમશે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારત સામે બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હૈરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 પર બધાની નજર
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 ની જાહેરાત પછી હવે ફેન્સની નજર ટીમ ઈન્ડિયા પર છે. પહેલી ટેસ્ટમાં હારનો સામનો કર્યા બાદ ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી અપેક્ષા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ એજબેસ્ટનમાં કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે.