લીડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની હારના કારણે કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર દબાણમાં આવી ગયા છે. આ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કરેલી ભૂલો સુધારવી પડશે.
ભારતીય ટીમે લીડ્સ ટેસ્ટ મેચમાં ખૂબ જ સામાન્ય બોલિંગ કરી હતી. જેના કારણે હવે બર્મિંઘમ ટેસ્ટ મેચના પ્લેઈંગ ઈલેવનમાં બોલરની એન્ટ્રી લગભગ નિશ્ચિત લાગે છે. આ બોલરના ડેબ્યૂ સાથે, કેપ્ટન શુભમન ગિલને મેદાન પર બીજું મોટું બ્રહ્માસ્ત્ર મળશે.
પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજનું નિરાશાજનક પ્રદર્શન
પહેલી ટેસ્ટ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ લીધી હતી પરંતુ 6 થી વધુ ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. જેના કારણે અન્ય બોલરો પર પણ દબાણ વધ્યું હતું. આ પરિસ્થિતિમાં તેને ડ્રોપ કરી શકાય છે. અનુભવી મોહમ્મદ સિરાજે માત્ર 2 વિકેટ લીધી હતી. સિરાજે મેનેજમેન્ટને ખૂબ નિરાશ કર્યું હતું. આ પરિસ્થિતિમાં અર્શદીપ સિંહને તેના સ્થાને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
જસપ્રીત બુમરાહને મળી શકે છે આરામ
જો ટીમ મેનેજમેન્ટ આ બે બોલરોને બેક કરવાનો પ્રયાસ કરે તો પણ અર્શદીપને સ્થાન મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટ બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે. આ પરિસ્થિતિમાં અર્શદીપ સિંહને જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મળી શકે છે.
બર્મિંઘમમાં અર્શદીપ સિંહને મળી શકે છે પિચથી મદદ
જો આપણે બર્મિંઘમમાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોની વાત કરીએ તો ત્યાંની પિચ સ્વિંગ બોલરો માટે ખૂબ જ અનુકૂળ છે. આવામાં અર્શદીપ સિંહને પિચથી ઘણી મદદ મળી શકે છે. અર્શદીપે વ્હાઈટ બોલ ક્રિકેટમાં બતાવ્યું છે કે તે બંને બાજુ બોલ સ્વિંગ કરી શકે છે. આવામાં કેપ્ટન ગિલ અને કોચ ગંભીર તેના પર વિશ્વાસ કરી શકે છે.
લેફ્ટ હેન્ડ બોલર હોવાનો થશે ફાયદો
ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં 4 ફાસ્ટ બોલિંગ વિકલ્પો સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ બધા રાઈટ બેન્ડના બોલર છે. આવામાં કેપ્ટન શુભમન ગિલ વિવિધતા લાવવા માટે અર્શદીપ સિંહને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. અર્શદીપને લેફ્ટ હેન્ડ બોલર હોવાનો ફાયદો મળી શકે છે.
કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડની ધરતી પર રેડ બોલથી રમવાનો અનુભવ અર્શદીપ સિંહ પાસે છે. તેને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, પણ તે કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. તેથી તે જાણે છે કે ઈંગ્લેન્ડની ધરતી પર લાલ બોલથી કેવી રીતે ધૂમ મચાવી શકે છે.