ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લીમાં ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ માટે યજમાન ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.


ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ લાંબા સમય પછી પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે. તે ડિસેમ્બર 2024 પછી પહેલી વાર ટીમમાં પાછો ફર્યો છે. ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સને પણ પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે. તે ઘરઆંગણે પોતાની પહેલી ટેસ્ટ રમશે. આ પહેલા તેને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાં પોતાની છેલ્લી પાંચ ટેસ્ટ મેચ રમી હતી.

મિડિલ ઓર્ડરમાં ધાકડ બેટ્સમેન

યજમાન ટીમ ભારત સામેની પહેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી અને બેન ડકેટની ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરશે. ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં આ ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી અને પહેલી વિકેટ માટે 200 થી વધુ રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડી પછી મિડિલ ઓર્ડરમાં જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ અને જેમી સ્મિથ જેવા ખેલાડીઓ હશે. બેન સ્ટોક્સ અને જેમી સ્મિથ અનુક્રમે છઠ્ઠા અને સાતમા ક્રમે રમશે. ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ લોઅર ઓર્ડરમાં તાકાત પૂરી પાડશે.

બોલિંગની જવાબદારી વોક્સ અને કાર્સ પર

માર્ક વુડ અને જોફ્રા આર્ચર જેવા અનુભવી બોલરોની ગેરહાજરીમાં યજમાન ટીમને ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સ પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે. જોશ ટંગ અને શોએબ બશીર જૂના બોલ સાથે યોગદાન આપતા જોવા મળશે. કેપ્ટન બેન સ્ટોક્સ પાંચમા બોલરની ભૂમિકા ભજવશે.

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નિતીશકુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

  • Follow us on: