વર્લ્ડ ક્રિકેટમાં એક વાર ફરી એવી સિદ્ધિ હાંસલ થઈ છે. એક T20I ઈન્ટરનેશનલમાં પહેલી વાર ત્રણ સુપર ઓવર રમાવામાં આવી, ત્યારે મેચનું રિઝલ્ટ જોવા મળ્યું. આ ઐતિહાસિક મેચ નેધરલેન્ડ અને નેપાલ વચ્ચે રમાઈ હતી.


આ મેચમાં નેધરલેન્ડે જીત મેળવી. T20 અથવા લિસ્ટ A ક્રિકેટમાં પહેલીવાર આ સિદ્ધિ જોવા મળી છે કે કોઈ મેચનું પરિણામ ત્રણ સુપર ઓવર પછી મળ્યું.

નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને નેપાળ વચ્ચે આ રમનારી T20 ત્રિકોણીય સિરીઝની બીજી મેચમાં નેધરલેન્ડ માટે માઈકલ લેવિટે ત્રીજી સુપર ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. આ જીત સાથે નેધરલેન્ડે પોતાની પહેલી જીત હાંસલ કરી.

બંને ટીમોએ બનાવ્યા બરાબર સ્કોર

નેધરલેન્ડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા. એક સમયે તેમની જીત નિશ્ચિત લાગતી હતી કારણ કે નેપાળને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. નેપાળના નીચલા ક્રમના બેટ્સમેન નંદન યાદવે છેલ્લી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. તેને છેલ્લા બોલ પર એક ચોગ્ગો પણ માર્યો જેના કારણે નેપાળ 8 વિકેટે 152 રન બનાવીને સ્કોર બરાબર કરવામાં સફળ રહ્યું.

પહેલી સુપર ઓવરનો રોમાંચ

પ્રથમ સુપર ઓવરમાં નેપાળ તરફથી કુશલ ભુર્ટેલ આક્રમક બેટિંગ કરતા 18 રન બનાવીને ટીમનો સ્કોર 19 સુધી લઈ ગયા. જવાબમાં, નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ'ડોવે દબાણમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેને પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને સ્કોર બરાબર કર્યો, જેનાથી મેચ વધુ રોમાંચક બની ગઈ.

બીજી સુપર ઓવરમાં આવું રહ્યું પ્રદર્શન

બીજા સુપર ઓવરમાં નેધરલેન્ડે પહેલા બેટિંગ કરી અને 17 રન બનાવ્યા, જેના કારણે નેપાળ પર દબાણ વધી ગયું. જવાબમાં, નેપાળ માટે દિપેન્દ્ર સિંહ એરીએ શાનદાર પ્રદર્શન કર્યું અને કાયલ ક્લેઈનના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને સ્કોર બરાબર કર્યો. જેના કારણે મેચ ત્રીજા સુપર ઓવરમાં પહોંચી.

ત્રીજી સુપર ઓવરમાં નેપાળ ના બનાવી શક્યું એક પણ રન

નેપાળ ત્રીજી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતી વખતે એક પણ રન બનાવી શક્યું નહીં. નેધરલેન્ડના ઓફ સ્પિનર ​​જેક લાયન કેશેટે શાનદાર બોલિંગ કરી, માત્ર ચાર બોલમાં બે વિકેટ લીધી અને કોઈ રન ન આપ્યો અને નેપાળની ઈનિંગ્સ ઝડપથી પૂર્ણ કરી દીધી. નેધરલેન્ડને જીતવા માટે ફક્ત 1 રનની જરૂર હતી, પરંતુ ઓપનર લેવિટે સંદીપ લામિછાનેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને મેચનો રોમાંચક અને શાનદાર અંત કર્યો.


  • Follow us on: