ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ODI દરમિયાન વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં એક અનોખો અને રસપ્રદ નજારો જોવા મળ્યો. 11 જાન્યુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ મેચ એટલા માટે પણ ખાસ હતી કારણ કે કોટંબી સ્ટેડિયમ પહેલીવાર પુરુષોની ODI ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરી રહ્યું હતું.
રોહિત અને વિરાટનું કરવામાં આવ્યું સન્માન
ન્યુઝીલેન્ડની ઈનિંગ બાદ રોહિત અને કોહલીને ફૂલોના ગુલદસ્તાથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ નાના સમારંભની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. ICC પ્રમુખ અને BCCI વડાની હાજરીમાં BCAએ એક કપબોર્ડ તૈયાર કર્યું, જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના લાઈફ-સાઈઝ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા હતા.
સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે બંને સિનિયર ખેલાડીઓને એક જ કબાટમાં ઊભા રાખવામાં આવ્યા અને પછી તેમના નામ બોલાતા જ તેમને બહાર બોલવવામાં આવ્યા. આ અનોખી પદ્ધતિથી સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ક્રિકેટ ફેન્સ બંને ખુશ થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેને રોહિત-કોહલી અનબોક્સિંગ સેરેમની પણ કહેવામાં આવી.
ફેન્સે ખૂબ આનંદ માણ્યો
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતે પણ આ ફની હાવભાવનો ખૂબ આનંદ માણ્યો. ગુલદસ્તો સ્વીકારતી વખતે બંને ખેલાડીઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં, જેનાથી ફેન્સ પણ વધુ ખુશ થઈ ગયા. કોટંબી સ્ટેડિયમમાં આ યાદગાર સન્માન સમારોહ ફેન્સ માટે એક મનોરંજક ક્રિકેટ ક્ષણ બની ગયો.
ભારતને મળ્યો 301 રનનો ટાર્ગેટ
ન્યુઝીલેન્ડની ઈનિંગની વાત કરીએ તો ઓપનર ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ બંને ઓપનર અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યા. કોનવેએ 56 અને હેનરીએ 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડેરિલ મિચેલના 84 રનની મદદથી ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને ફક્ત 1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો: IND Vs NZ: પ્રથમ ODIમાં કુલદીપ યાદવે કરી મોટી ભૂલ, કિવી બેટ્સમેનને જીવનદાન આપ્યું