ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે વડોદરામાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો છે.


કોમેન્ટ્રી દરમિયાન આપવામાં આવેલી માહિતી મુજબ બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરની પીઠમાં મચકોડ આવી ગઈ હતી, જેના પછી તેને મેડિકલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. હાલમાં ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફ તેની ઈજાની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે.

ટીમ મેનેજમેન્ટ ટેન્શનમાં

વોશિંગ્ટન સુંદર 5 ઓવર ફેંક્યા પછી મેદાન છોડીને ચાલ્યો ગયો. તેને તે 5 ઓવરમાં 27 રન આપ્યા. તે વિકેટ લઈ ન શક્યો. ન્યુઝીલેન્ડની ઈનિંગ દરમિયાન વોશિંગ્ટન સુંદર 33મી ઓવરમાં ઈજાને કારણે મેદાન છોડીને ગયો. તેની જગ્યાએ નીતિશ રેડ્ડી ફિલ્ડિંગ કરવા આવ્યો. વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને મુશ્કેલીમાં મુકી દીધું છે કારણ કે ટીમ પહેલાથી જ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહી છે.


પ્રથમ વનડે શરૂ થવાના થોડા કલાકો પહેલા સમાચાર આવ્યા કે રિષભ પંત ઈજાગ્રસ્ત છે અને હવે તે આખી સિરીઝ રમી શકશે નહીં. BCCI એ માહિતી આપી કે રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી 3 મેચની ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોટંબી સ્ટેડિયમના નામે ખાસ સિદ્ધિ

વોશિંગ્ટન સુંદરની ઈજાએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે, ત્યારે વડોદરાના કોટંબી સ્ટેડિયમે પહેલી મેચનું આયોજન કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સ્ટેડિયમ હવે ODI ક્રિકેટનું આયોજન કરનારું ભારતનું 51મું મેદાન બની ગયું છે. વડોદરા શહેર માટે આ એક ગર્વની ક્ષણ છે અને ભારતના સમૃદ્ધ ક્રિકેટ ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે.

પ્રથમ ODI સાથે કોટંબી સ્ટેડિયમે સત્તાવાર રીતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. હજારો દર્શકો વચ્ચે રમાયેલી આ ઐતિહાસિક મેચે વડોદરાને ફરી એકવાર ભારતીય ક્રિકેટ નકશા પર ખાસ સ્થાન આપ્યું છે. હવે બધાની નજર ફક્ત આ મેચના પરિણામ પર જ નહીં, પણ વોશિંગ્ટન સુંદરના ફિટનેસ અપડેટ પર પણ છે.

આ પણ વાંચો: Shubman Gillએ T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થવા પર મૌન તોડ્યું, કહ્યું- 'હું આ નિર્ણય...'


  • Follow us on: