ભારતીય મહિલા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેને ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી મેચમાં 4 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સિરીઝની ત્રીજી મેચ મેકકોયના મેદાન પર રમાઈ હતી, જેમાં યજમાન ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા, જેમાં મેડલિન પેન્નાએ 39 રન બનાવ્યા હતા.
તેના જવાબમાં ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટનો પીછો કરતી વખતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 140 રન જ બનાવી શકી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં સિએના જિંજરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત
ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમ સામે 145 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય મહિલા A ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, જેમાં દિનેશ વૃંદા અને ઉમા છેત્રી બંને 16 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.
આ પછી શેફાલી વર્માએ રાઘવી બિષ્ટ સાથે મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો જેમાં ત્રીજી વિકેટ માટે બંને વચ્ચે 43 રનની પાર્ટનરશીપ જોવા મળી. આ સિરીઝની પહેલી 2 મેચમાં બેટથી કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકી, શેફાલી આ મેચમાં 25 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 રનની ઈનિંગ રમી શકી.
6 ખેલાડીઓ બેટિંગમાં બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા
આ મેચમાં રાઘવી બિષ્ટે 25 રન બનાવ્યા હતા જ્યારે મીનુ મણિએ 30 રન બનાવ્યા હતા પરંતુ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં સફળ રહી ન હતી. આ મેચમાં ભારતીય ટીમના 6 ખેલાડીઓ બેટિંગમાં બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી સિએના જિંજરે બોલિંગમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે એમી એડગર અને લ્યુસી હેમિલ્ટને 1-1 વિકેટ લીધી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હતી.
પ્રેમા અને કેપ્ટન રાધાએ બોલિંગમાં ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા
આ મેચમાં પ્રેમા રાવત અને કેપ્ટન રાધા યાદવે ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમને મોટો સ્કોર બનાવતા રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં પ્રેમા રાવતે અને કેપ્ટને 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય સજીવન સજના પણ 1 વિકેટ લેવામાં સફળ રહી હતી. બોલર તરીકે પ્રેમા રાવત માટે આ સિરીઝ ખૂબ સારી રહી હતી જેમાં તેણે ત્રણેય મેચ રમતી વખતે કુલ 7 વિકેટ લીધી હતી.