ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ શરૂ થવામાં થોડા કલાકો બાકી છે. આના એક દિવસ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફોરન્સ સંબોધી હતી અને લગભગ બધા જ સવાલોના જવાબ આપ્યા હતા.


ચોથી ટેસ્ટ પહેલા ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ટીમનું ટેન્શન વધી ગયું છે. મેચ 23 જુલાઈએ શરુ થશે, પરંતુ કેપ્ટને એક દિવસ પહેલા જ ઘણા માસ્ટર કાર્ડ જાહેર કરી દીધા છે.

ચોથી ટેસ્ટ રમતો જોવા મળશે રિષભ પંત

મીડિયા સાથે વાત કરતા શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે આકાશ દીપ આગામી એટલે કે ચોથી મેચનો ભાગ નહીં હોય. આ પહેલા નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપને પણ બહાર કરવામાં આવ્યા છે. એટલે કે આકાશ દીપ બહાર થનાર ત્રીજો ખેલાડી બન્યો છે. પરંતુ કેપ્ટન શુભમન ગિલે રિષભ પંત રમશે તે ખુલાસો કરી દીધો છે. તેની ઈજા હવે સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે. એક સવાલના જવાબમાં શુભમન ગિલે કહ્યું કે રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં વિકેટકીપરના રોલમાં જોવા મળશે. રિષભ પંતને આ સિરીઝ માટે વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.


અંશુલ કંબોજને માન્ચેસ્ટરમાં ડેબ્યૂ કરવાની મળી શકે છે તક

સિરીઝની વચ્ચે જ અંશુલ કંબોઝને અચાનક બોલાવવામાં આવ્યો છે. તે માન્ચેસ્ટર પણ પહોંચી ગયો છે. આ મેચમાં અંશુલ કંબોઝને ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા વધુ છે. પરંતુ શુભમન ગિલે આ બાબતે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું નથી. તેને કહ્યું કે અંશુલ કંબોઝ તેના ઈન્ટરનેશનલ ડેબ્યૂની ખૂબ નજીક છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને અંશુલ કંબોઝમાંથી એક બોલર રમશે અને આ નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે. એટલે કે 23 જુલાઈની તારીખ અંશુલ કંબોઝ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.

કરુણ નાયરને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં મળશે તક

આ સિવાય બીજો એક મોટો સવાલ એ છે કે શું કરુણ નાયર આગામી મેચ રમી શકશે. લગભગ આઠ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર કરુણ નાયર સતત ત્રણેય મેચ રમી ચૂક્યો છે, પરંતુ તે એક પણ વખત 50નો આંકડો પાર કરી શક્યો નથી. તેનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. એવું માનવામાં આવતું હતું કે હવે કરુણ નાયરને બહાર બેસવું પડશે.

શુભમન ગિલ સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે તેને લાગે છે કે કરુણ નાયર સારી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ ક્યારેક કોઈ બેટ્સમેન ક્લિક કરી શકતો નથી. શુભમન ગિલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે ટૂંક સમયમાં મોટી ઈનિંગ રમશે. મેચના દિવસે ગિલ શું અંતિમ નિર્ણય લે છે તે જોવાનું બાકી છે.


  • Follow us on: