હેડિંગ્લી ખાતે જેક ક્રોલી અને બેન ડકેટની ઓપનિંગ જોડી ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 371 રનના ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોરબોર્ડ પર 181 રન બનાવી લીધા છે.
બેન ડકેટે પોતાની સદી ફટકારી છે જ્યારે ક્રાઉલીએ પણ અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયાના પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલા બોલરોની ચિંતામાં વધારો કર્યો છે. યશસ્વીએ પહેલી ટેસ્ટ મેચમાં ચોથી વખત આ જ ભૂલનું કમબેક કર્યું છે. યશસ્વીએ કરેલી ભૂલ જોઈને મોહમ્મદ સિરાજ ખૂબ ગુસ્સે જોવા મળી રહ્યો છે.
યશસ્વી જયસ્વાલે ફરી કરી મોટી ભૂલ
બેન ડકેટ અને જેક ક્રોલી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઈંગ્લેન્ડની ટીમ મેચને ઝડપથી જીત તરફ લઈ જઈ રહ્યા છે. બંને વચ્ચે 150 થી વધુ રનની પાર્ટનરશિપ થઈ છે. બેન ડકેટે સદી ફટકારી છે, જ્યારે ક્રોલી પણ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પહેલા સેશન પછી, ભારતીય બોલરો બીજા સેશનમાં અત્યાર સુધી એક પણ વિકેટ લઈ શક્યા નથી. ઈનિંગની 39મી ઓવરમાં મોહમ્મદ સિરાજે પણ એક તક બનાવી, પરંતુ યશસ્વી જયસ્વાલે બાઉન્ડ્રી લાઈન પર કેચ છોડી દીધો.
સિરાજના બોલ પર બેન ડકેટે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો અને યશસ્વી બોલ તરફ ઝડપથી દોડ્યો. યશસ્વી બોલ પાસે પહોંચ્યો અને તેને પકડવા માટે ડાઈવ કરી. પરંતુ બોલ યશસ્વીના હાથ પર વાગ્યો અને છૂટી ગયો. કેચ પડતાં સિરાજ ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો અને તે ગુસ્સામાં ચીસો પાડતો પણ જોવા મળ્યો હતો.
એક મેચમાં છોડ્યા ચાર કેચ
ઈંગ્લેન્ડની સામે હેડિંગ્લેમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે આ ચોથો કેચ છોડ્યો છે. આ પહેલા પહેલી ઈનિંગમાં પણ યશસ્વી જયસ્વાલે 3 કેચ છોડ્યા છે અને આ તમામ કેચ બુમરાહની બોલિંગમાં છોડ્યા છે. એક મેચમાં યશસ્વી જયસ્વાલથી વધુ આજસુધી કોઈ પણ બેટ્સમેને કેચ છોડ્યા નથી. આ શરમજનક રેકોર્ડ યશસ્વીએ ન ઈચ્છતાં પણ પોતાને નામ કર્યો છે.