ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતે એજબેસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ 336 રનથી જીતી હતી. આ મેચ માટે બંને ટીમો લોર્ડ્સ પહોંચી ગઈ છે અને ત્યાં જોરશોરથી તૈયારી કરી રહી છે.


આ દરમિયાન લોર્ડ્સ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમને મોહમ્મદ સિરાજ વિશે આ નિવેદન આપ્યું છે.

સીતાંશુ કોટકે મોહમ્મદ સિરાજ વિશે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે બીજી ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચ પછી કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ત્રીજી ટેસ્ટ રમશે. તેમનું સ્થાન કોણ લેશે તે હજુ સુધી નક્કી થયું નથી. સિરાજે અત્યાર સુધી બંને ટેસ્ટ મેચ રમી છે. તે આ સિરીઝમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ ઓવર ફેંકનાર બોલર છે. સિતાંશુ કોટકે કહ્યું છે કે મોહમ્મદ સિરાજના વર્કલોડને પણ મેનેજ કરવામાં આવશે. આ નિવેદન સાંભળ્યા પછી હવે ફેન્સ ચિંતામાં છે કે શું સિરાજ ત્રીજી ટેસ્ટ મેચ નહીં રમે.

સીતાંશુ કોટકે કહ્યું કે વર્કલોડ મેનેજમેન્ટ ફક્ત બુમરાહ માટે જ નથી. દરેક બોલરની ફિટનેસ અને દરેક બોલરની સમસ્યા અલગ હોય છે. પરંતુ મને લાગે છે કે વચ્ચે પૂરતો આરામ છે. આ મેચ પછી લાંબો વિરામ છે. પરંતુ સિરાજ એક એવો ખેલાડી છે જે ખૂબ બોલિંગ કરે છે. આ પરિસ્થિતિમાં અમે તેના વર્કલોડને પણ મેનેજ કરીશું. સિરાજ આ મેચમાં રમશે કે નહીં તે અંગે તેમને સ્પષ્ટપણે કંઈ કહ્યું નહીં.

ઝડપી બોલરોએ નેટમાં ખૂબ કરી પ્રેક્ટિસ

લોર્ડ્સની પિચ સામાન્ય રીતે ફાસ્ટ બોલરો માટે મદદરૂપ હોય છે. આ પરિસ્થિતિમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં ચાર ફાસ્ટ બોલરો સાથે રમી શકે છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખીને જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. બુમરાહએ નેટમાં સખત પ્રેક્ટિસ કરી. તેની સાથે રહેલા અર્શદીપ સિંહે પણ લગભગ એક કલાક સુધી નેટમાં બોલિંગ કરી. હવે જોવાનું એ રહે છે કે ભારત આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલા ફાસ્ટ બોલરોને તક આપે છે.


  • Follow us on: