સંન્યાસ બાદ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક કોમેન્ટ્રી પેનલનો ભાગ રહ્યો છે. કાર્તિક પોતાની શાનદાર કોમેન્ટ્રીને કારણે ચર્ચામાં રહે છે. કાર્તિક ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ કોમેન્ટ્રી કરી રહ્યો છે.
લોર્ડ્સ ટેસ્ટ મેચ પહેલા દિનેશ કાર્તિકે આ મેચ વિશે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. જેના પછી સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું તેને શરમજનક રીતે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા?
દિનેશ કાર્તિકે કર્યો મોટો ખુલાસો
લોર્ડ્સ ટેસ્ટ મેચ વિશે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન દિનેશ કાર્તિકે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન સાથે વાત કરતા કહ્યું કે 'મારી અને નાસ (હુસૈન) વચ્ચે બહુ સમાનતા નથી, અને હું તેને આ રીતે રાખવા માગુ છું. પરંતુ દુઃખની વાત છે કે તેનું કરિયર લોર્ડ્સમાં જ સમાપ્ત થઈ ગયું અને મારું પણ. ફરક માત્ર એટલો છે કે નાસ કોચના દરવાજે ગયો અને કહ્યું, 'મને લાગે છે કે મારો સમય પૂરો થઈ ગયો છે.'
મારા કિસ્સામાં કોચે આવીને કહ્યું કે 'આગામી ટેસ્ટ માટે ન આવો, તમારો સમય પૂરો થઈ ગયો છે.' જ્યારે દિનેશ કાર્તિકે આ કહ્યું ત્યારે તે સમયે રવિ શાસ્ત્રી તેમની બાજુમાં બેઠા હતા. રવિ શાસ્ત્રી વર્ષ 2018માં ભારતીય ટીમના મુખ્ય કોચ હતો.
નિષ્ફળ ગયા બાદ ટીમમાંથી બહાર થયો દિનેશ કાર્તિક
વર્ષ 2018 માં દિનેશ કાર્તિકે અફઘાનિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યા પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. ત્યારબાદ રિદ્ધિમાન સાહાની ઈજાને કારણે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાં કાર્તિકે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં 0 અને 20 રન બનાવ્યા હતા, જ્યારે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં તેને 1 અને 0 રન બનાવ્યા હતા. જેના કારણે લોર્ડ્સ ટેસ્ટ મેચ પછી તેને ફરીથી તક મળી ન હતી. રિષભ પંતે 2018 સિરીઝની બાકીની મેચોમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાં પંતના બેટમાંથી મોટી ઈનિંગ જોવા મળી હતી.