ભારતની અંડર-19 ટીમ આ વખતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. બંને ટીમ વચ્ચે હાલમાં પાંચ મેચની યુથ સિરીઝ રમાઈ હતી, આ સિરીઝને ટીમ ઈન્ડિયાએ 3-2થી પોતાને નામ કરી. આ સિરીઝમાં ભારતનો ટોપ પરફોર્મર વૈભવ સૂર્યવંશી રહ્યો, જેને પાંચ મેચમાં ખૂબ જ રન બનાવ્યા.


આ સિરીઝમાં તેને 71 ની એવરેજ અને 174.01ના સ્ટ્રાઈક રેટથી 355 રન બનાવ્યા. આ સાથે જ વૈભવ સૂર્યવંશીએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તેને અંડર 19 યૂથ વનડે સિરીઝમાં રન બનાવવાના મામલે શુભમન ગિલને પાછળ છોડ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ શુભમન ગિલનો તોડ્યો રેકોર્ડ

અંડર-19 યુથ વનડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વૈભવ સૂર્યવંશીના નામે જોડાઈ રહ્યો છે. આ પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો. તેને વર્ષ 2017 માં ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં 351 રન બનાવ્યા હતા. લિસ્ટમાં ત્રીજા નંબર પર અંબાતી રાયડુનું નામ છે. તેને 2002માં ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં 291 રન બનાવ્યા હતા. લિસ્ટમાં ચોથા નંબર પર ફરી શુભમન ગિલનું નામ છે, તેને 2017માં ઈંગ્લેન્ડ સામે 278 રન બનાવ્યા હતા. આદિત્ય શ્રીકાંત આ લિસ્ટમાં 244 રન સાથે પાંચમાં નંબર પર છે.

યુથ વનડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

355 વૈભવ સૂર્યવંશી વિ. ઈંગ્લેન્ડ, 2025

351 શુભમન ગિલ વિ. ઈંગ્લેન્ડ, 2017

291 અંબાતી રાયડુ વિ. ઈંગ્લેન્ડ, 2002

278 શુભમન ગિલ વિ. ઈંગ્લેન્ડ, 2017

244 આદિત્ય શ્રીકાંત વિ. ઈંગ્લેન્ડ, 2005

વૈભવ સૂર્યવંશીએ 52 બોલમાં ફટકારી સદી

ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં યુથ વનડે સિરીઝની ચોથી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 52 બોલમાં રેકોર્ડબ્રેક સદી ફટકારી. આ યુવા વનડેમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી હતી. આ સાથે તેને આ સિરીઝમાં 20 બોલમાં અડધી સદી પણ ફટકારી. તે યુવા વનડેમાં અડધી સદી ફટકારનાર બીજા સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. આ પહેલા તે IPL 2025 માં રમતા જોવા મળ્યો હતો. ત્યાં તેને 7 મેચની 7 ઈનિંગમાં 206.55 ના સ્ટ્રાઈક રેટથી 255 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને એક અડધી સદીની ઈનિંગ જોવા મળી હતી. વૈભવ સૂર્યવંશીની નજર આગામી બે યુથ ટેસ્ટ મેચ પર છે, જે 12 જુલાઈથી શરૂ થશે.


  • Follow us on: