ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ બુલાવાયોમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ વિઆન મુલ્ડરના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ઝિમ્બાબ્વેને એક ઈનિંગ અને 236 રનથી હરાવ્યું હતું. આ સાઉથ આફ્રિકા માટે તેમના ટેસ્ટ ઈતિહાસમાં ત્રીજી સૌથી મોટી જીત છે. આ ટીમનો ટેસ્ટમાં સતત 10મો વિજય છે.
પહેલી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ બનાવ્યો મોટો સ્કોર
આ મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા આફ્રિકન ટીમે 5 વિકેટ ગુમાવીને 625 રન પર ઈનિંગ ડિકલેર કરી હતી. ટીમ માટે કેપ્ટન વિઆન મુલ્ડરે ત્રેવડી સદી ફટકારી હતી. તે 367 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના સિવાય ડેવિડ બેડિંગહામે 82 અને લુઆન-ડ્રે પ્રિટોરિયસે 78 રનનું યોગદાન આપ્યું હતું.
જેના જવાબમાં ઝિમ્બાબ્વેની પહેલી ઈનિંગ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ફોલો-ઓન રમતી વખતે યજમાન ટીમ બીજી ઈનિંગમાં 220 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકન ટીમ તરફથી પ્રેનેલન સુબ્રાયને પહેલી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેના બેટ્સમેનનું નિરાશાજનક પ્રદર્શન
ઝિમ્બાબ્વેની બેટિંગ બંને ઈનિંગમાં ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી ઈનિંગમાં વિલિયમ્સ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. ટીમના 5 બેટ્સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. બીજી ઈનિંગમાં પણ ઝિમ્બાબ્વેના બેટ્સમેનોની હાલત ખૂબ જ ખરાબ હતી. પરંતુ આ વખતે નિક વોલ્ચે અડધી સદીની ઈનિંગ રમી અને તે 55 રન બનાવીને આઉટ થયો. આ સિવાય કેપ્ટન ઈર્વિન 49 રન અને તાકુડ્ઝવાનાશે કૈટાનો 40 રન પણ પોતાની તરફથી પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટીમને ઈનિંગની હારથી બચાવી શક્યા નહીં.
વિઆન મુલ્ડરે બનાવ્યા ઘણા રેકોર્ડ
આ મેચમાં આફ્રિકન કેપ્ટન વિઆન મુલ્ડરે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. તેને 297 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે, તેને 2007-08માં સાઉથ આફ્રિકા સામે 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. મુલ્ડર કેપ્ટનશીપ ડેબ્યૂમાં ત્રેવડી સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. વિઆન મુલ્ડરે બોલિંગ તેમજ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. ત્યાં તેને બંને ઈનિંગમાં કુલ 3 વિકેટ લીધી. તેને સિરીઝની પહેલી મેચમાં 147 રનની ઈનિંગ પણ રમી. બંને મેચમાં તેના ઉત્તમ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો.