ભારતીય ટેસ્ટ ટીમને લીડ્સમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી છે. 24 જૂને રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતીય અંડર-19 ટીમે યંગ લાયન્સ ઈન્વિટેશનલ ઈલેવન ટીમને 231 રનથી હરાવી હતી.


પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 442 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, યંગ લાયન્સ ઈન્વિટેશનલ ઈલેવન ટીમ 41.1 ઓવરમાં માત્ર 211 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમની આ જીતમાં 18 વર્ષના બેટ્સમેન હરવંશ પંગાલિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવમા ક્રમે બેટિંગ કરવા આવતા હરવંશ પંગલિયાએ માત્ર 52 બોલમાં 103 રન બનાવ્યા, જેમાં 9 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ છે. હરવંશ પંગલિયાની આ ઝડપી સદીના આધારે ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 440 થી વધુ રન બનાવ્યા.


ટોપ ઓર્ડરે કર્યા નિરાશ

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. IPL 2025થી ચર્ચામાં આવેલા આયુષ મ્હાત્રે 1 રન બનાવીને અને વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને આઉટ થયો. આ પછી વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજ સિંહ ચાવડા અને અભિજ્ઞાન કુંડુ પણ સસ્તામાં આઉટ થયા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અડધી ટીમ 91 રનના સ્કોર પર પેવેલિયન પાછી ફરી. ત્યારબાદ રાહુલ કુમાર અને કનિષ્ક ચૌહાણ વચ્ચે 140 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી.

હરવંશના પિતા ચલાવે છે ટ્રક

રાહુલ કુમારે 73 રન અને કનિષ્ક ચૌહાણે 79 રન બનાવ્યા. આ બંનેના આઉટ થયા પછી લોઅર ઓર્ડરમાં અંબરીશે 72 રન અને હરવંશે મળીને શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને પર્વત જેવા સ્કોર સુધી પહોંચાડી દીધી. ભારતીય ટીમની જીતના હીરો હરવંશ વિશે વાત કરીએ તો તે ગુજરાતના કચ્છના રણમાં સ્થિત એક નાના શહેર ગાંધીધામનો રહેવાસી છે. તેને શ્રી નકુલ અયાચીના માર્ગદર્શનમાં નીલકંઠ ક્રિકેટ એકેડેમીમાં કોચિંગ લીધું છે. હરવંશનો પરિવાર હવે કેનેડામાં રહે છે, જ્યાં તેના પિતા બ્રેમ્પટનમાં ટ્રક ચલાવે છે.

  • Follow us on: