ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ જેટલી સારી હતી તેટલી જ ટીમની ફિલ્ડિંગ અને બોલિંગ પણ ખરાબ હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ કુલ 8 વિકેટ ગુમાવી હતી, જે હારનું કારણ બની હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સિવાય કોઈ પણ ખેલાડી બોલિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. હવે સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીના રમવા પર સસ્પેન્સ છે. જ્યારે છેલ્લી મેચમાં જ આ ખેલાડીને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી.
સાંઈ સુદર્શન થઈ શકે છે બહાર
IPL 2025માં ધૂમ મચાવનાર સાઈ સુદર્શનને લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ પહેલી મેચ સાઈ માટે કંઈ ખાસ ન હતી. સાઈ સુદર્શન મેચની પહેલી ઈનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે બીજી ઈનિંગમાં તેને 30 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શનના બીજા ટેસ્ટ મેચમાં રમવા અંગે સસ્પેન્સ છે.
પહેલી મેચમાં ફીલ્ડિંગ કરતી વખતે સાઈને ખભામાં થોડી સમસ્યા થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ "સાઈ સુદર્શન હજુ આગામી મેચ માટે સંપૂર્ણપણે ફિટ નથી. છેલ્લા દિવસે ફીલ્ડિંગ કરતી વખતે તેને કોઈ સમસ્યા થઈ શકે છે. તેના ખભામાં થોડી સમસ્યા છે."
સિરીઝમાં 0-1 થી પાછળ છે ટીમ ઈન્ડિયા
આ મેચની બંને ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર રહી અને બંને ઈનિંગમાં 5 સદી જોવા મળી, છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. કારણ કે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ફીલ્ડિંગ બંને ઈનિંગમાં ખૂબ જ ખરાબ રહી. જસપ્રીત બુમરાહે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતી વખતે બેન ડકેટે શાનદાર સદી ફટકારી હતી. બેન ડકેટે બીજી ઈનિંગમાં 149 રન બનાવ્યા હતા. આ સિવાય જેક ક્રોલીએ 65 રન, જો રૂટે 53 રન અને જેમી સ્મિથે 44 રન બનાવ્યા હતા. પહેલી મેચ 5 વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે સિરીઝમાં 0-1 થી પાછળ છે.